બે ઑસ્ટ્રેલિયન ઑલરાઉન્ડરે થ્રિલરમાં ગુજરાતને જિતાડ્યું

નવી મુંબઈઃ ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની યુપી વૉરિયર્ઝ સામેની મૅચમાં ખાસ કરીને ઑસ્ટ્રેલિયાની બે ખેલાડીએ ગુજરાત જાયન્ટ્સને રોમાંચક વિજય અપાવ્યો હતો. ડબ્લ્યૂપીએલની ચોથી સીઝનની આ બીજી મૅચ હતી જેમાં ઑસ્ટ્રેલિયાની પ્લેયર ઑફ ધ મૅચ જ્યોર્જિયા વેરમ (10 બૉલમાં અણનમ 27 રન અને 30 રનમાં બે વિકેટ) તથા કૅપ્ટન અને ઑસ્ટ્રેલિયાની જ ઍશ્લેઇ ગાર્ડનર (65 રન, 41 બૉલ, ત્રણ સિક્સર, છ ફોર અને 37 રનમાં એક વિકેટ)ના ઑલરાઉન્ડ પર્ફોર્મન્સની મદદથી ગુજરાતે 10 રનથી વિજય મેળવ્યો હતો.
અંતિમ ઓવરમાં શું બન્યું?
ઑસ્ટ્રેલિયાની મેગ લેનિંગના સુકાનમાં યુપી વૉરિયર્ઝ (UP WARRIORS)ને જીતવા 208 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, પરંતુ આ ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 197 રન કરી શકી હતી. 20મી ઓવરમાં યુપીએ 27 રન કરવાના હતા અને 7/187ના સ્કોર પર આ ટીમની કસોટી થવાની હતી. કૅરિબિયન બોલર ડીઍન્ડ્રા ડૉટિનની એ ઓવરના પહેલા બે બૉલમાં એક વિકેટ પડી હતી. ત્રીજા બૉલમાં શિખા પાન્ડેનો કૅચ છૂટ્યો હતો અને તેણે એક રન દોડી જતાં આશા શોભના (27 અણનમ, 10 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) સ્ટ્રાઇક પર આવી હતી. અંતિમ ત્રણ બૉલમાં તેના 6, 4, 4ના સ્કોરિંગ શૉટ છતાં યુપીનો 10 રનથી પરાજય થયો હતો.

આ પણ વાંચો : WPL 2026 Viral Anchor: કોણ છે બ્યટીફૂલ એન્કર યેશા સાગર, જે રાતોરાત બની ગઈ છે ટોક ઓફ ધ ટાઉન?
ઑસ્ટ્રેલિયાની જ ફૉબે લિચફીલ્ડ (78 રન, 40 બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર)ની હાફ સેન્ચુરી એળે ગઈ હતી. ગુજરાતની વેરમ ઉપરાંત રેણુકા સિંહ અને સૉફી ડિવાઇને પણ બે વિકેટ લીધી હતી.
અનુષ્કા શર્માના ઉપયોગી 44 રન
એ પહેલાં, ગુજરાતે (Gujarat Giants) બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં ચાર વિકેટે 207 રન કર્યા હતા જેમાં કૅપ્ટન ઍશ્લેઇ ગાર્ડનર (65 રન)નો સૌથી મોટો ફાળો હતો. અભિનેત્રી અનુષ્કા શર્મા જેવું જ નામ ધરાવતી નવી ખેલાડી અનુષ્કા શર્મા (44 રન, 30 બૉલ, સાત ફોર) વચ્ચે ત્રીજી વિકેટ માટે 103 રનની બહુમૂલ્ય ભાગીદારી થઈ હતી. સૉફી ડિવાઇને 38 રન, જ્યોર્જિયા વેરમે અણનમ 27 રન અને ભારતી ફુલમાલીએ અણનમ 14 રન કર્યા હતા. યુપીની સૉફી એકલ્સ્ટને બે વિકેટ તેમ જ શિખા પાન્ડે અને ડીઍન્ડ્રા ડૉટિને એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : સાઉથ આફ્રિકાની બૅટરે છેલ્લી ઓવરમાં ધમાકા કર્યાં અને મુંબઈ સામે બેંગ્લૂરુની ટીમ…



