ડબ્લ્યૂપીએલમાં ગુજરાતને હરાવી દિલ્હી ચોથી વખત ફાઈનલમાં…

વડોદરાઃ વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ) તરીકે ઓળખાતી મહિલાઓની આઇપીએલમાં દિલ્હી કૅપિટલ્સની ટીમ મંગળવારે સતત ચોથી વખત ફાઇનલમાં પહોંચી ગઈ હતી. આ વખતે પહેલી જ વાર ભારતની વર્લ્ડ કપ સ્ટાર જેમિમા રૉડ્રિગ્સ આ ટીમનું નેતૃત્વ સંભાળી રહી છે અને તેની ટીમે (દિલ્હીએ) એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સને પરાજિત કરીને ગુરુવારની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જેમાં એનો મુકાબલો જેમિમાની ખાસ મિત્ર સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં રમતી રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ સામે થશે.
દિલ્હીએ મંગળવારે 169 રનનો લક્ષ્યાંક 15.4 ઓવરમાં ત્રણ વિકેટના ભોગે મેળવી લીધો હતો. ઓપનર લિઝેલ લીએ 43 રન બનાવ્યા બાદ ખુદ જેમિમાએ (41 રન) અને લૉરા વૉલ્વાર્ટે (32 અણનમ), શેફાલી (31 રન) દિલ્હીની ટીમને મોટા યોગદાનો આપીને સેમિ ફાઇનલ સમાન મૅચમાં શાનદાર વિજય અપાવ્યો હતો.
એ પહેલાં, ગુજરાત જાયન્ટ્સે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં સાત વિકેટે 168 રન કર્યા હતા અને જેમિમા રૉડ્રિગ્સના સુકાન હેઠળની દિલ્હી કૅપિટલ્સની ટીમને 169 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો. દિલ્હી વતી રમતી વેસ્ટ ઇન્ડિયન પેસ બોલર શિનેલ હેન્રીએ સૌથી વધુ ત્રણ તેમ જ ચંડીગઢમાં જન્મેલી નંદની શર્માએ બે વિકેટ લીધી હતી. નંદનીએ દિલ્હીને ઉપરાઉપરી બે બૉલમાં બે વિકેટ અપાવી હતી.
મિનુ મનીને એક વિકેટ મળી હતી. જોકે અનુભવી ઓપનર બેથ મૂની (62 અણનમ, 51 બૉલ, છ ફોર)એ એક ગઢ સાચવી રાખીને ટીમને મોટી મુશ્કેલીમાંથી બચાવી હતી. જ્યોર્જિયા વેરમ (35 રન, પચીસ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) તેમ જ કાશ્વી ગૌતમે (18 રન, 10 બૉલ, ત્રણ ફોર) પણ ગુજરાતની ટીમને સન્માનજનક સ્કોર માટે યોગદાન આપ્યા હતા.
મુંબઈમાં રહેતી જેમિમાએ દિલ્હી કૅપિટલ્સને પ્રથમ ટ્રોફીની નજીક પહોંચાડી દીધી.ડબ્લ્યૂપીએલમાં પહેલી વખત મુંબઈ ઇન્ડિયન્સની ટીમ નહોતી, કારણકે આ ટીમ રવિવારે સ્પર્ધાની બહાર થઈ ગઈ હતી.



