સ્પોર્ટસ

ગુજરાત જાયન્સની વિક્રમો સાથે જીત, સૉફી ડિવાઈને પોતાના જ રેકોર્ડ્સની બરાબરી કરી

દિલ્હીની નંદની શર્માનો હૅટ-ટ્રિક પર્ફોર્મન્સ એળે ગયો

નવી મુંબઈ: રવિવારે રાત્રે માઈકલ બ્રેસવેલની કેપ્ટન્સીમાં ન્યૂ ઝીલૅન્ડની મેન્સ ટીમ વડોદરામાં ભારત સામેની પ્રથમ વન-ડેમાં પરાજિત થઈ, પરંતુ એની આસપાસના જ સમય દરમ્યાન ન્યૂ ઝીલૅન્ડની ટોચની મહિલા ઑલરાઉન્ડર સૉફી ડિવાઈન નવી મુંબઈના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ (GG)ની ટીમને જીતાડી રહી હતી.

ગુજરાતની ટીમની 36 વર્ષની પેસ બોલિંગ ઑલરાઉન્ડર સૉફી ડિવાઈને વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)માં દિલ્હી કેપિટલ્સ (DC) સામેની મૅચમાં પહેલાં તો 42 બૉલમાં આઠ છગ્ગા અને સાત ચોગ્ગાની મદદથી 95 રન કર્યા હતા અને પછી 21 રનમાં ડીસીની બે વિકેટ લીધી હતી અને મૅચની અંતિમ ઓવરમાં દિલ્હીને જીતવા છ રન નહોતા કરવા દીધા. સૉફીએ પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો.

જેમિમાની દિલ્હીની ટીમ કેવી રીતે હારી?

ગુજરાતની ટીમે 209 રન કર્યા બાદ જેમિમા રોડ્રિગ્સનાં સુકાનમાં દિલ્હીની ટીમ લિઝેલ લીનાં 86 રન અને લૉરા વૉલવાર્ટના 77 રન છતાં 210 રનના લક્ષ્યાંક સામે પાંચ વિકેટે 205 રન કરી શકી હતી અને ફક્ત પાંચ રનથી એનો પરાજય થયો હતો.

રેકોર્ડ-બુકમાં ઘણું નવું આવ્યું

(1) રવિવારની મૅચમાં ગુજરાત-દિલ્હીએ મળીને કુલ 414 રન કર્યા હતા જે ડબ્લ્યૂપીએલના ચાર વર્ષના ટૂંકા ઇતિહાસમાં સેકન્ડ હાઈએસ્ટ છે. યુપી-બેંગલૂરુનાં 2024ની મૅચના 438 રન હાઈએસ્ટ છે.

(2) ગુજરાત-દિલ્હીની કુલ 20 સિક્સર ડબ્લ્યૂપીએલમાં બીજા નંબરે છે. ગુજરાત-યુપીની મૅચની કુલ 21 સિક્સરનો ડબલ્યૂપીએલમાં રેકોર્ડ છે.

(3) ડબલ્યૂપીએલની એક જ મૅચમાં સૌથી વધુ છગ્ગા ફટકારવામાં હવે ગુજરાતની ટીમ 13 સિક્સર સાથે નંબર વન છે.

(4) ન્યૂ ઝીલૅન્ડની સૉફી ડિવાઇને ગુજરાત વતી રવિવારે દિલ્હીની સ્પિનર સ્નેહ રાણાની એક ઓવરમાં 32 રન (4, 4, 6, 6, 6, 6) કર્યા હતા. ડબલ્યૂપીએલના ઇતિહાસમાં રાણાની આ ઓવર સૌથી મોંઘી છે. સૉફી ડિવાઈને આ સાથે મહિલાઓની ટી-20માં એક ઓવરમાં સૌથી વધુ 32 રન કરવાના પોતાના જ વિશ્વ વિક્રમની બરાબરી કરી છે.

(5) ડબલ્યૂપીએલની એક જ મૅચમાં આઠ છગ્ગા ફટકારવાના પોતાના જ વિક્રમની સૉફી ડિવાઇને બરાબરી કરી છે.

(6) દિલ્હી કેપિટલ્સની પેસ બોલર નંદની શર્મા ડબલ્યૂપીએલમાં હૅટ-ટ્રિક લેનાર ચોથી બોલર બની છે. તેની પહેલાં ઈસી વૉંગ, દીપ્તિ શર્મા અને ગ્રેસ હૅરિસે હૅટ-ટ્રિક લીધી હતી.

(7) પુરુષોની આઇપીએલની જેમ હવે મહિલાઓની ડબલ્યૂપીએલ પણ લોકપ્રિય થઈ રહી છે અને દિલ્હી કેપિટલ્સની નંદની શર્માગુરુવારે તેને 33 રનમાં પાંચ વિકેટ લીધી હતી. એમાંથી ચાર વિકેટ તેણે દાવની છેલ્લી ઓવરમાં હૅટ-ટ્રિક સાથે મેળવી હતી. ડબલ્યૂપીએલની એક મૅચમાં પાંચ વિકેટ લેનાર તે સાતમી બોલર બની છે. આ સાત બોલર્સમાં નંદની ઉપરાંતની એકમાત્ર ભારતીય બોલર છે આશા શોભના. જોકે નંદની શર્માનો રવિવારનો હૅટ-ટ્રિક પર્ફોર્મન્સ એળે ગયો હતો.

આ પણ વાંચો…WPLમાં 24 વર્ષીય ભારતીય બોલરનો તરખાટ! હેટ્રિક સહિત એક જ ઓવરમાં ઝડપી 4 વિકેટ…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button