ડબલ્યૂપીએલના બે ટાઈટલ જીતનાર મુંબઈ ટૂર્નામેન્ટની બહાર, દિલ્હી પ્લે-ઑફમાં

વડોદરા: ટાટા વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ના ત્રણમાંથી બે ટાઈટલ જીતનાર હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળની મુંબઈ ઇન્ડિયન ટીમ આ વખતે ટૂર્નામેન્ટની બહાર થઈ ગઈ છે અને ત્રણેય સીઝનમાં ફાઇનલમાં પહોંચનાર તથા આ વખતે પહેલી જ વાર જેમિમા રોડ્રિગ્સની કેપ્ટન્સીમાં રમનાર દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ની ટીમે પ્લે-ઑફમાં સ્થાન મેળવી લીધું છે.
રવિવારે દિલ્હીએ યુપી વૉરિયર્ઝ (UP Warriorz)ને આઠ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિન સાથે હરાવી દીધું એટલે આપોઆપ મુંબઈની ટીમ ટૂર્નામેન્ટની બહાર થઈ હતી.

દિલ્હીની મેરિઝેન કૅપની ત્રણ વિકેટ તેમ જ શ્રી ચરની અને શિનેલ હેન્રીની બે-બે વિકેટને લીધે યુપીની ટીમ 20 ઓવરમાં આઠ વિકેટે 122 રન કરી શકી હતી.
2023 2024 2025 2026
— Star Sports (@StarSportsIndia) February 1, 2026
Delhi Capitals are into the playoff once again
UP NEXT #TATAWPL Eliminator #GGvDC TUE, 3rd FEB 6:30 PM pic.twitter.com/jbTowC9CnS
દિલ્હીની ટીમે 18.4 ઓવરમાં 5/126 રનના સ્કોર સાથે મૅચ જીતી લીધી હતી. એમાં લૉરા વૉલવાર્ટના 47 તેમ જ કેપ્ટન જેમિમાના અણનમ 34 રન અને શેફાલી વર્માના 29 રન સામેલ હતા.
આ વખતની ડબલ્યૂપીએલમાં હવે બે જ મૅચ બાકી રહી છે. એશલેઈ ગાર્ડનરના સુકાનમાં ગુજરાત જાયન્ટ્સની ટીમ પ્લે-ઑફમાં પહોંચી ચૂકી છે. વડોદરામાં મંગળવાર, ત્રીજી ફેબ્રુઆરીએ (સાંજે 7:30 વાગ્યાથી) પ્લે-ઑફના એલિમિનેટરમાં ગુજરાત જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર થશે. એમાં જીતનાર ટીમ ગુરૂવાર, પાંચમી ફેબ્રુઆરીએ વડોદરામાં જ 2024ની ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ સામે ફાઇનલમાં રમશે.



