હવે મહિલાઓની પ્રીમિયર લીગના ખેલાડીઓ માટે ઑક્શન યોજાશે…
મુંબઈ: 2025ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે રવિવાર અને સોમવારે સાઉદીના જેદ્દાહમાં મેગા ઑક્શન યોજાઈ ગયું ત્યાર બાદ હવે મહિલાઓ માટેની ભારતની લોકપ્રિય ટી-20 ટૂર્નામેન્ટ ‘વિમેન્સ પ્રીમિયર લીગ’ (ડબલ્યૂપીએલ) માટેની ખેલાડીઓની હરાજીનો કાર્યક્રમ યોજાવાનો છે. આ ઑક્શન વિશેની વિગતો બહાર આવી છે.
એક જાણીતી ક્રિકેટલક્ષી વેબસાઈટના અહેવાલ મુજબ ફેબ્રુઆરીની આગામી ડબલ્યૂપીએલ માટે આ મિની ઑક્શન હશે જે આગામી 15મી ડિસેમ્બરે બેંગ્લૂરુમાં યોજાવાનું છે.
મહિલા ક્રિકેટર્સ માટેની ત્રણ વર્ષ જૂની આ સ્પર્ધામાં પાંચ ટીમ ભાગ લેતી હોય છે. સામાન્ય રીતે ઑક્શનમાંથી ખેલાડીઓ મેળવવા દરેક ટીમને કુલ વધુમાં વધુ 15 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાનું બીસીસીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે અને આગામી કાર્યક્રમ ‘મિની ઑક્શન’ હોવાથી એમાં પાંચેય ટીમના પ્રતિનિધિઓ ગણતરીના ખેલાડીઓ મેળવવા ખૂબ ઓછા ભંડોળ સાથે બેંગ્લૂરુની ઇવેન્ટમાં આવશે. આગામી ડબલ્યૂપીએલ ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે.
સ્મૃતિ મંધાનાના સુકાનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)ની ટીમ 2024ની ડબલ્યૂપીએલમાં ચેમ્પિયન બની હતી.
આગામી ઑક્શનમાં ઇંગ્લેન્ડની કેપ્ટન હીધર નાઈટ, ન્યૂ ઝીલેન્ડની ફાસ્ટ બોલર લી તાહુહુ અને વેસ્ટ ઇન્ડિઝની ઑલરાઉન્ડર ડીએન્ડ્રા ડૉટિનને તેમ જ ભારતીય ઑલરાઉન્ડર સ્નેહ રાણા, લેગ-સ્પિનર પૂનમ યાદવ અને બૅટર વેદા ક્રિષ્ણમૂર્તિને મેળવવામાં પાંચેય ફેન્ચાઈઝી રસ બતાવશે એવી ધારણા છે.
Also read: Women IPL પર સટ્ટોઃ સુરતમાંથી 10 જણ ઝડપાયા
મુંબઈ ઇન્ડિયન્સ વિમેન ટીમ હરમનપ્રીત કૌરના સુકાનમાં 2023માં સૌપ્રથમ ડબલ્યૂપીએલ ટૂર્નામેન્ટ જીતી હતી.
ડિસેમ્બરના મિની ઑક્શનમાં નાની સંખ્યામાં ખેલાડીઓ મેળવવા કઈ ટીમ પાસે કેટલું ભંડોળ હશે એની વિગત આ મુજબ છે… (1) મુંબઈ ઇન્ડિયન્સ, 2.65 કરોડ રૂપિયા (2) રોયલ ચેલેન્જર્સ બેંગ્લૂરુ, 3.25 કરોડ રૂપિયા (3) દિલ્હી કેપિટલ્સ, 2.5 કરોડ રૂપિયા (4) ગુજરાત જાયન્ટ્સ, 4.40 કરોડ રૂપિયા (5) યુપી વૉરિયર્ઝ, 3.90 કરોડ રૂપિયા