સ્પોર્ટસ

વાહ વૉશિંગ્ટન વાહ! 61 બૉલમાં ઝડપી સાત વિકેટ

ઑફ-સ્પિનર સુંદરે ન્યૂ ઝીલૅન્ડ સામેના એક જ પર્ફોર્મન્સમાં જશુ પટેલ, બાપુ નાડકર્ણી, વેન્કટરાઘવન, પ્રસન્ના, સુભાષ ગુપ્તે, ગુલામ અહમદ, મનિન્દર, કુંબલે, ઇરફાન, અશ્ર્વિન, જાડેજાની બરાબરી કરી

પુણે: કૅપ્ટન રોહિત શર્મા, હેડ-કોચ ગૌતમ ગંભીર તેમ જ સિનિયર ખેલાડીઓનો સમાવેશ ધરાવતા ટીમ ઇન્ડિયાના મૅનેજમેન્ટે કુલદીપ યાદવને ડ્રૉપ કર્યો અને અક્ષર પટેલને બદલે વૉશિંગ્ટન સુંદરને અહીં બીજી ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્લેઇંગ-ઇલેવનમાં સમાવ્યો અને તેણે તરખાટ મચાવી દીધો. પાંચમી જ ટેસ્ટ રમી રહેલા તામિલનાડુના વૉશિંગ્ટને કરીઅર-બેસ્ટ 59/7ના પર્ફોર્મન્સથી ઘણા વિક્રમો પોતાને નામ કર્યા છે. ખાસ તો તેણે ગુરુવારે પોતાની વિકેટ વિનાની પહેલી 13 ઓવર બાદ ફક્ત 61 બૉલમાં સાત વિકેટ ઝડપી હતી.

પુણેમાં ગુરુવારે ‘ઑફ-સ્પિનર્સ ડે’ હતો. ઑફ-સ્પિનર રવિચન્દ્રન અશ્ર્વિને પહેલી ત્રણેય વિકેટ ઝડપ્યા બાદ બાકીની સાતેય વિકેટ ઑફ-સ્પિનર વૉશિંગ્ટન સુંદરે લીધી હતી. ભારત વતી ટેસ્ટના એક જ દાવમાં બે રાઇટ-આર્મ ઑફ-સ્પિનરે હરીફ ટીમની તમામ વિકેટ લીધી હોય એવું પહેલી જ વાર બન્યું છે.

2002 બાદ અત્યાર સુધીમાં એક દાવમાં સ્પિનરે સૌથી ઓછા બૉલમાં સાત વિકેટ ઝડપી હોય એવા બેસ્ટ સ્પિનર્સની યાદીમાં ભારતીયોમાં અનિલ કુંબલેનું નામ છે જેણે 60 બૉલમાં સાત વિકેટ લીધી હતી. વૉશિંગ્ટન સુંદરે 61 બૉલમાં સાત શિકાર કરીને આ યાદીમાં કુંબલે પછી બીજું નામ લખાવ્યું છે. પાકિસ્તાનનો યાસિર શાહ (40 બૉલમાં સાત વિકેટ), કેશવ મહારાજ (48 બૉલમાં સાત) અને રંગાના હેરાથ (પંચાવન બૉલમાં સાત) આ લિસ્ટમાં ટૉપ-થ્રીમાં છે અને ચોથા નંબરે કુંબલે તથા પાંચમા ક્રમે વૉશિંગ્ટન સુંદર છે.

વૉશિંગ્ટન સુંદરે પાંચ કિવી બૅટરને ક્લીન બોલ્ડ કર્યા હતા અને એ રીતે તેણે એક ટેસ્ટ-ઇનિંગ્સમાં સૌથી વધુ બૅટરને ક્લીન બોલ્ડ કરવાના ભૂતપૂર્વ ભારતીય સ્પિનર જશુભાઈ પટેલ તથા બાપુ નાડકર્ણીના તેમ જ રવીન્દ્ર જાડેજાના ભારતીય રેકૉર્ડની બરાબરી કરી હતી. ખાસ કરીને, 2003 પછી જો કોઈ એક દાવમાં પાંચ બૅટરને ક્લીન બોલ્ડ કર્યા હોય એમાં ફક્ત જાડેજા અને વૉશિંગ્ટનનો સમાવેશ છે.

ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડ સામે બેસ્ટ બોલિંગ-ઍનેલિસિસ ધરાવનાર સ્પિનર્સમાં હવે વૉશિંગ્ટન સુંદરનું પણ નામ છે: એસ. વેન્કટરાઘવન (આઠ વિકેટ), એરાપલ્લી પ્રસન્ના (આઠ વિકેટ), સુભાષ ગુપ્તે (સાત વિકેટ), આર. અશ્ર્વિન (સાત વિકેટ) અને વૉશિંગ્ટન સુંદર (સાત વિકેટ).

ભારત વતી ટેસ્ટના પ્રથમ દિવસે સાત કે વધુ વિકેટ લેનાર બોલર્સમાં વૉશિંગ્ટન ઉપરાંત બીજા પાંચ બોલરનો સમાવેશ છે: ગુલામ અહમદ (1956માં), મનિન્દર સિંહ (1987માં), અનિલ કુંબલે (2004માં), ઇરફાન પઠાણ (2005માં). સ્પિનર સુભાષ ગુપ્તેએ 1958માં કાનપુરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે એક દાવમાં નવ વિકેટ ઝડપી હતી. એ દાવમાં એક વિકેટ પેસ બોલર વસંત રાંજણેએ લીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button