World Para Athletics : વિશ્વ સ્પર્ધાની ભાલાફેંકમાં દિવ્યાંગોના ‘નીરજ ચોપડા’નો ફરી ગોલ્ડ મેડલ, ભારત ત્રણ સુવર્ણ જીતીને ત્રીજા સ્થાને આવી ગયું
કૉબે (જાપાન): જેમ સમર ઑલિમ્પિક્સમાં નીરજ ચોપડા ભાલાફેંકમાં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે અને વિશ્ર્વસ્પર્ધાઓમાં પણ ભારતનું નામ રોશન કરી રહ્યો છે એમ દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની સ્પર્ધાઓમાં સુમિત ઍન્ટિલ (Sumit Antil) ભારતને ગૌરવ અપાવી રહ્યો છે. દિવ્યાંગ ઍથ્લીટ્સ માટેની ઑલિમ્પિક્સ એટલે પૅરાલિમ્પિક્સ અને અને એમાં સુમિત હાલનો ચૅમ્પિયન છે. મંગળવારે તેણે વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપ્સમાં એફ-64 કૅટેગરીની હરીફાઈમાં ભાલો સૌથી દૂર ફેંકીને વર્લ્ડ ટાઇટલ જાળવી રાખ્યું હતું.
સુમિતે ભાલો 69.50 મીટર દૂર ફેંક્યો હતો જે તમામ હરીફોમાં સૌથી દૂર હતો. ભારત મંગળવારે કુલ પાંચ મેડલ જીત્યું હતું અને ચાર ગોલ્ડ સહિતના કુલ 10 ચંદ્રક સાથે ભારત ત્રીજા સ્થાને આવી ગયું હતું. ચીનના 15 ગોલ્ડ સહિત કુલ 41 મેડલ અને બ્રાઝિલના 14 ગોલ્ડ સહિત કુલ પચીસ મેડલ હતા.
સુમિત ઍન્ટિલ 2021ની ટોક્યો પૅરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2023ની વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સમાં પણ તેણે ગોલ્ડ હાંસલ કર્યો હતો.
હરિયાણામાં રહેતો પચીસ વર્ષનો સુમિત ઍન્ટિલ સોનીપતનો છે. ભાલો 73.29 મીટર દૂર ફેંકવા બદલ વર્લ્ડ રેકૉર્ડ તેના નામે છે. વર્લ્ડ પૅરા ઍથ્લેટિક્સમાં 70.83 મીટરનો રેકૉર્ડ તેના નામે છે.
મંગળવારની ઇવેન્ટમાં શ્રીલંકાનો ડુલાન (66.49 મીટર) સિલ્વર મેડલ અને ભારતનો જ સંદીપ (60.41 મીટર) બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.
એ પહેલાં, થાન્ગાવેલુ મરિયપ્પન ટી-63 કૅટેગરીની હાઈ જમ્પની હરીફાઈમાં સ્પર્ધાના 1.88 મીટર ઊંચા કૂદકા સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 38 વર્ષની એક્તા ભ્યાન એફ-51 ક્લબ થ્રો હરીફાઈમાં 20.12 મીટરના સીઝનના બેસ્ટ થ્રો સાથે ગોલ્ડ મેડલ જીતી હતી. એ જ ઇવેન્ટમાં ભારતની કશિષ લાકરા 14.56 મીટરના થ્રો સાથે સિલ્વર જીતી હતી.