સ્પોર્ટસ

વિશ્વના સૌથી મોટી વયના ફૂટબોલર કહે છે, ` ઉંમર વધે છે એમ હું જાણે યુવાન થતો જાઉં છું’

ટોક્યોઃ જાપાનના 58 વર્ષની ઉંમરના ફૂટબૉલ ખેલાડી કાઝુયોશી મિઉરા (Miura)નું એવું માનવું છે કે જેમ જેમ તેમની ઉંમર વધે એમ એમ તેમને લાગે છે કે તેઓ વધુને વધુ યુવાન થઈ રહ્યા છે. બીજી રીતે કહીએ તો ફૂટબૉલ (Football) રમવાની બાબતમાં તેમનો જોશ અને જુસ્સો દિવસે દિવસે વધી રહ્યો છે.

મિઉરા આવતા મહિને 59મા વર્ષમાં પ્રવેશ કરશે. પ્રોફેશનલ ફૂટબૉલ એટલે કે વિશ્વભરની ફૂટબૉલની ક્લબો વચ્ચે રમાતી ફૂટબૉલની ટૂર્નામેન્ટોમાં ભાગ લઈ રહેલા તમામ ખેલાડીઓમાં મિઉરા સૌથી મોટી ઉંમરના છે.

આ પણ વાંચો : મુંબઈ થયું મેસીમયઃ સચિને સુપરસ્ટાર ફૂટબોલરની મુલાકાતને સુવર્ણ ક્ષણો તરીકે ઓળખાવી

40 વર્ષની આસપાસ ફૂટબૉલ ખેલાડીઓ નિવૃત્ત થઈ જતા હોય છે, જ્યારે મિઉરા શુક્રવારે ફુકુશિમા યુનાઇટેડ ફૂટબૉલ ક્લબ નામની નવી ટીમમાં જોડાયા હતા. ત્રીજા ડિવિઝનની આ ટીમમાં જોડાવા બાબતમાં તેમણે ટોક્યોમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.

મિઉરા આટલી મોટી ઉંમરે પણ વધુ ફૂટબૉલ રમવા આતુર છે. તેમણે પત્રકારોને કહ્યું, ` જેમ જેમ હું રમતો જાઉં છું એમ એમ મારું પૅશન વધતું જાય છે. મારી ઉંમર વધતી જાય છે અને થોડા દિવસમાં હું 59 વર્ષનો થઈ જઈશ, પરંતુ ખરું કહું તો મારા રમવાની ઇચ્છા તીવ્ર થતી જાય છે.’

આ પણ વાંચો : ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કરી સગાઈ, ગર્લફ્રેન્ડ જોર્જિનાની પોસ્ટ જોઈને ચોંકી ગયા ફેન્સ

સુઝુકા નામની ટીમ વતી મિઉરા સાત મૅચ રમ્યા હતા, પણ એકેય મૅચમાં ગોલ નહોતા કરી શક્યા. તેઓ જાપાન ઉપરાંત બ્રાઝિલ, ઇટલી, ક્રોએશિયા, ઑસ્ટ્રેલિયા અને પોર્ટુગલમાં ફૂટબૉલ રમી ચૂક્યા છે. તેમણે 1986માં ફૂટબૉલના મેદાન પર ડેબ્યૂ કર્યું હતું. બ્રાઝિલમાં તેઓ સૅન્ટોસ ક્લબ વતી રમ્યા હતા. આ એ જ ક્લબ છે જેના વતી મહાન ખેલાડી પેલે રમ્યા હતા. મિઉરા 2017ની સાલમાં 50 વર્ષની ઉંમરે ક્લબ સ્તરે ગોલ કરનાર ઑલ્ડેસ્ટ પ્લેયર બન્યા હતા. તેમણે 1990ના દાયકામાં જાપાનની રાષ્ટ્રીય ટીમ વતી 89 મૅચમાં પંચાવન ગોલ કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button