ડ્રગ્સ ટેસ્ટના બે પૉઝિટિવ રિપોર્ટ પછી પણ આ પ્લેયર જીત્યો યુએસ ઓપનનો તાજ

ન્યૂ યોર્ક: પુરુષોની ટેનિસના વર્લ્ડ નંબર વન યાનિક સિન્નરે રવિવારે અહીં યુએસ ઓપનનો સિંગલ્સનો તાજ જીતી લીધો હતો. હજી ત્રણ જ અઠવાડિયા પહેલાં ડ્રગ્સ ટેસ્ટને લગતા (ડોપિંગના) તેના બે રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા જેને લીધે તે ચર્ચાસ્પદ થઈ ગયો હતો.
જોકે ઈટલીના 23 વર્ષની ઉંમરના આ યુવાન ખેલાડીએ પ્રતિબંધિત ડ્રગ્સ લીધું હોવાના આક્ષેપ બાદ થઈ રહેલી તપાસ વિશેની ચિંતા બાજુ પર રાખીને ચેમ્પિયન બનવાના લક્ષ્ય સાથે આ ટૂર્નામેન્ટમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.
સિન્નરે ફાઇનલમાં અમેરિકાના ટેલર ફ્રિત્ઝને ફાઇનલમાં 6-3, 6-4, 7-5થી હરાવ્યો હતો.
સિન્નરની આ બીજી ગ્રેન્ડ સ્લેમ ટ્રોફી છે. તે આ વર્ષની ઑસ્ટ્રેલિયન ઓપનમાં વિજેતા બન્યો હતો.
સિન્નરે રવિવારે ચેમ્પિયન બન્યા પછી કહ્યું હતું કે ‘મારી કરીઅરનો આ છેલ્લો તબક્કો ખૂબ જ કઠિન હતો. જોકે આ ટાઇટલ મારા માટે બહુમૂલ્ય છે. અત્યારે હું બેહદ ખુશ છું.’
જો ટેલર ફ્રિત્ઝ ફાઇનલ જીત્યો હોત તો તે પુરુષોની ગ્રેન્ડ સ્લેમનું ટાઈટલ જીતનાર છેલ્લા 21 વર્ષનો પહેલો અમેરિકન ટેનિસ ખેલાડી બન્યો હોત.
મહિલાઓમાં યુએસ ઓપનની ટ્રોફી બેલારુસની અરીના સબાલેન્કાએ શનિવારે જીતી લીધી હતી.
Also Read –