વર્લ્ડ કપની ટીમના સિલેક્શનનું કાઉન્ટ-ડાઉન શરૂ: કોની સંભાવના છે, કોની ઓછી?

નવી દિલ્હી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ અનૌપચારિક રીતે નક્કી થઈ જ રહી હશે, પણ સત્તાવાર જાહેરાતને હજી થોડા દિવસ છે એટલે એમાં કોણ હશે અને કોણ નહીં હોય એના પર તર્ક-વિતર્કો ચાલી રહ્યા છે.
જોકે પીટીઆઇના સંદેશા મુજબ આ ટીમમાં આઇપીએલમાંના કોઈ પણ નવા ખેલાડીને વર્લ્ડ કપ માટે સિલેક્ટ કરવામાં આવે એની સંભાવના ઓછી છે. બીજી તરફ, આઇપીએલમાં ભારતના જે અનુભવી અને થોડા જૂના ખેલાડીઓ રમી રહ્યા છે તેમણે હવે પછીની મૅચોમાં સારું રમવું પડશે અને તો જ અજિત આગરકર ઍન્ડ કંપની તેમને વર્લ્ડ કપ માટે પસંદ કરશે. રિયાન પરાગ, મયંક યાદવ, અભિષેક શર્મા અને હર્ષિત રાણા જેવા ઊભરતા ખેલાડીઓ હાલમાં ખૂબ ચર્ચામાં છે અને વર્લ્ડ કપની ટીમમાં તેમને સામેલ કરવા નિષ્ણાતો તરફથી સૂચનો થઈ શકે, પણ ભારતીય ક્રિકેટના મોવડીઓ તેમને સીધા વર્લ્ડ કપમાં સિલેક્ટ કરવા કરતાં દ્વિપક્ષી સિરીઝોમાં રમાડીને અનુભવ અપાવવા માગે છે.
આઇસીસીના નિયમ મુજબ પહેલી મે પહેલાં બધા દેશોએ પોતાની ટીમ જાહેર કરી દેવી પડશે.
એવું જાણવા મળ્યું છે કે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલમાંથી કોઈ એક ઓપનર વર્લ્ડ કપ માટે સિલેક્ટ કદાચ ન થાય. જોકે તેઓ બન્ને જો બાકીની મૅચોમાં સારું રમી જશે તો કોલકાતા નાઇટ રાઇડર્સના રિન્કુ સિંહ અને ચેન્નઈ સુપર કિંગ્સના શિવમ દુબેમાંથી કોઈ એક પર કળશ ઢોળાશે. ગુજરાત ટાઇટન્સનો કૅપ્ટન ગિલ અમદાવાદમાં દિલ્હી સામે માત્ર આઠ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
બીજી તરફ, રાજસ્થાન રૉયલ્સ વતી રમતો યશસ્વી જયસ્વાલ પણ આ વખતની આઇપીએલમાં સદંતર ફ્લૉપ છે.
વિકેટકીપર-બૅટરના સ્લૉટ માટે રિષભ પંત, સંજુ સૅમસન, જિતેશ શર્મા, કેએલ રાહુલ અને ઇશાન કિશન વચ્ચે હરીફાઈ છે. જોકે રાહુલ અને કિશન ટૉપ-ઑર્ડરમાં બૅટિંગ કરતા હોવાથી અને આઇપીએલમાં મિડલમાં તેમનો બૅટિંગ-પર્ફોર્મન્સ ન હોવાથી સિલેક્ટરો તેમનામાંથી કોઈને મિડલ-ઑર્ડર માટે પસંદ કરશે કે કેમ એમાં શંકા છે.
હાર્દિક પંડ્યા બોલિંગ ફિટનેસ માટે મોટી ચિંતા છે, પણ તેનું સિલેક્શન નહીં થાય એવું પણ બીસીસીઆઇની નજીકના સૂત્રો માનવા તૈયાર નથી.
રોહિત શર્માની વર્લ્ડ કપની ટીમમાં આપોઆપ સિલેક્ટ થઈ જશે એવા ખેલાડીઓમાં વિરાટ, સૂર્યકુમાર, બુમરાહ, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ સામેલ છે એમ કહી શકાય.
મયંક યાદવ, હર્ષિત રાણા, આકાશ મઢવાલમાંથી કોઈને નેટ બોલર બનાવાશે એવી પણ સંભાવના છે.
ટી-20 વર્લ્ડ કપ માટેના પંદર સંભવિતો+પાંચ સ્ટૅન્ડ બાય
સ્પેશિયાલિસ્ટ બૅટર (છ): રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિન્કુ સિંહ
ઑલરાઉન્ડર (ચાર): હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે, અક્ષર પટેલ
સ્પેશિયાલિસ્ટ સ્પિનર (ત્રણ): કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ
વિકેટકીપર-બૅટર (ત્રણ): રિષભ પંત, કેએલ રાહુલ, સંજુ સૅમસન
ફાસ્ટ બોલર (ચાર): જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ અને આવેશ ખાન.