World Cup 2023: હવે ટીમ ઇન્ડિયામાં કરાયો મોટો ફેરફાર
નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કર્યો છે.
અલબત્ત, અક્ષર પટેલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો ત્યાર પછી એવી શક્યતા હતી કે તે વર્લ્ડ કપની ટીમમાંથી બહાર થઈ જશે. છેવટે, અક્ષર પટેલ સંપૂર્ણપણે સાજો થઈ શક્યો નથી અને ટીમમાં ફેરફારની છેલ્લી તારીખે પસંદગી સમિતિએ અશ્વિનને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લીધો છે.
આજે એટલે ગુરુવાર 28 સપ્ટેમ્બર વિશ્વ કપની ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ હતી અને BCCIએ આમાં જ ફેરફારની જાહેરાત કરી છે.
અહીં એ જણાવવાનું કે આર. અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધની શ્રેણીમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું હોવાથી વર્લ્ડ કપ માટે સારા ફોમની આશા રાખી શકાય.
ભારતે અશ્વિનના અનુભવ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જોકે, શરૂઆતમાં જ્યારે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી ત્યારે તેમાં અશ્વિનનું નામ સામેલ નહોતું. હવે એન્ટ્રી આપીને સૌને આશ્ચર્ય પણ થયું છે.
અશ્વિન ભારત માટે 2011 અને 2015 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે. ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો હતો. અને 2015માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટુર્નામેન્ટમાં ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું હતું. અશ્વિને 8 મેચમાં 13 વિકેટ લીધી હતી.