World Cup 2023: ન્યૂ ઝીલેન્ડ સામે ભારત ચાર વિકેટથી જીત્યું, કોહલી સદી ચૂક્યો
શુભમન ગિલે બનાવ્યો આ રેકોર્ડ, રવિન્દ્ર અને મિશેલે 44 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ધર્મશાલાઃ અહીં રમાયેલી ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચેની આજની મેચ રસાકસી ભરી રહી હતી, જેમાં એક તબક્કે વિરાટ કોહલીની સદી થાય એમ લાગતું હતું, પરંતુ 95 રને આઉટ થતા સચિનનો રેકોર્ડ અકબંધ રહ્યો હતો. ન્યૂ ઝીલેન્ડ સામે આજે 12 બોલ બાકી હતા ત્યારે ભારતે 274 રનનો સ્કોર અચીવ કર્યો હતો. આજની જીત સાથે ભારતે વર્લ્ડ કપની પાંચમી જીત મેળવી હતી. જોકે, આક્રમક બેટ્સમેન વિરાટ કોહલી અને સર રવિન્દ્ર જાડેજાની ભાગીદારીને કારણે ન્યૂ ઝીલેન્ડ સામે ભારતની ભવ્ય જીત મળી હતી.
વન-ડેમાં વિરાટ કોહલી 48મી સદીએ અટક્યો હતો, જેમાં મેટ હેન્રીએ વિરાટની વિકેટ ઝડપતા 95 રને આઉટ થયો હતો. વિરાટે 104 બોલમાં આઠ ચોગ્ગા સાથે બે સિક્સ મળીને 95 રન કર્યા હતા. વિરાટ કોહલી આઉટ થયા પછી મહોમ્મદ શામી રમતમાં આવ્યો હતો, જેમાં શામી અને રવિન્દ્ર જાડેજાએ 44 બોલમાં 39 રન કરીને નોટ આઉટ રહીને ભારતને જીતાડ્યું હતું.
સુકાની રોહિત શર્માએ શુભમન ગિલ સાથે શરુઆત સારી કરી હતી, પરંતુ ભારતની પહેલી વિકેટ રોહિત શર્માની 71 રને પડી હતી. રોહિતે 40 બોલમાં 46, ગિલે 31 બોલમાં 26, શ્રેયસ અય્યરે 29 બોલમાં 33 રન, કેએલ રાહુલે 35 બોલમાં 27 રને આઉટ થયા હતા, જ્યારે સૂર્ય કુમાર યાદવ બે રને રનઆઉટ થયા હતા. ન્યૂઝીલેન્ડ વતીથી લોકી ફરગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ, મિશેલ સેન્ટરે મહત્ત્વની વિકેટ ઝડપી હતી. જોકે, ફટાફટ વિકેટ પડ્યા પછી વિરાટ કોહલી અને જાડેજાએ બાજી સંભાળી હતી.
દરમિયાન ટીમ ઈન્ડિયાવતીથી ઓપનિંગમાં આવેલા શુભમન ગિલે ન્યૂઝીલેન્ડની સામે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. શુભમન ગિલે વનડેમાં 2,000 રન પૂરા કર્યા હતા, જેમાં આજની મેચમાં 31 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 26 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ તેને વનડેમાં 2,000 રન બનાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે, જેમાં તેને આફ્રિકાના ભૂતપૂર્વ બેટર હાશિમ અમલા અને પાકિસ્તાનના કેપ્ટન બાબર આજમ સહિત અન્ય ખેલાડીઓને પાછળ મૂકી દીધા હતા.
ન્યૂ ઝીલેન્ડના બેટ્સમેન રચિન રવિન્દ્ર અને ડેરિલ મિશેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. બંન્નેએ ન્યૂઝીલેન્ડને મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બચાવી લીધુ હતું. દરમિયાન બંને બેટ્સમેનોએ 44 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને ઈતિહાસ રચ્યો હતો.
આ બંનેએ વર્લ્ડકપમાં ભારત સામે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી મોટી ભાગીદારી કરી હતી. ટીમના ઓપનર કોનવે અને વિલ યંગના આઉટ થયા બાદ રવિન્દ્ર અને મિશેલે શાનદાર બેટિંગ કરી હતી. ડેરિલ મિશેલે શાનદાર 130 રન ફટકારી આઉટ થયો હતો જ્યારે રવિન્દ્ર 75 રન કરી આઉટ થયો હતો.
રવિન્દ્ર અને મિશેલે ભારત સામે ન્યૂ ઝીલેન્ડ માટે વિશ્વ કપની સૌથી મોટી ભાગીદારી કરી હતી. તેણે જોન રાઈટ અને બ્રુસ એડગરનો 44 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. રાઈટ અને એડગરે 1979માં હેડિંગ્લે ખાતે ભારત સામે 100 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. જોન રાઈટ ટીમ ઈન્ડિયાના કોચ રહી ચૂક્યા છે. 2003 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ત્યારે રાઈટ કોચ હતા. તેઓ ભારતના પ્રથમ વિદેશી કોચ હતા.
ન્યૂ ઝીલેન્ડ સાથેની જીત પૂર્વે ભારતે શ્રી લંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવ્યું હતું, જેનાથી ભારતની ચાર જીત સાથે આઠ પોઈન્ટ હતા, જ્યારે ન્યૂઝીલેન્ડે પણ ચાર મેચ જીતીને આઠ પોઈન્ટ મેળવ્યા હતા.