IPL 2024સ્પોર્ટસ

વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું

મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરની શાનદાર સદીએ નોંધાવ્યો આ રેકોર્ડ

બેંગલુરુઃ વર્લ્ડ કપની 18મી મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ હતી. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 367 રન કર્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 45.3 ઓવરમાં પાકિસ્તાનને ઓલઆઉટ કર્યું હતું, તેનાથી ઓસ્ટ્રેલિયા પાકિસ્તાન સામે 62 રને જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાને જીતાડવા માટે ડેવિડ વોર્નર અને મિશેલ માર્શની નોંધપાત્ર સદી કામ લાગી હતી, જ્યારે મિશેલ માર્શના જન્મદિવસે ઓસ્ટ્રેલિયા જીત્યું હતું.

બીજા દાવમાં પાકિસ્તાન વતીથી ઓનપર બેટર અબ્દુલ્લા શફિક અને ઈમામ ઉલ હકે નોંધપાત્ર ઈનિંગ રમ્યા હતા, જેમાં બંનેએ અનુક્રમે 64 અને 70 રન માર્યા હતા. શફિકે 61 બોલમાં બે સિક્સ અને સાત ચોગ્ગા સાથે 64 રન કર્યા હતા, જ્યારે હકે 71 બોલમાં 70 રન કર્યા હતા. એના સિવાય મહોમ્મદ રિઝવાને 39 બોલમાં 46 તથા સૌદ સકીલ 31 બોલમાં 30 રન કર્યા હતા. પાકિસ્તાનના સુકાની બાબર આઝમ 14 બોલમાં 18 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો.

પાકિસ્તાનની પહેલી વિકેટ છેક 21.1 ઓવરમાં 134 રને પડી હતી, ત્યારબાદ તબક્કાવાર વિકેટ પડી હતી, જેમાં બીજી વિકેટ 154, ત્રીજી વિકેટ 175, ચોથી વિકેટ 232, 269 રને પાંચમી વિકેટ તથા છઠ્ઠી 274 તથા સાતમી વિકેટ 277 રને પડી હતી.
ઓસ્ટ્રેલિયા વતીથી સૌથી વધુ વિકેટ એડમ ઝમ્પા (4), મર્કસ સ્ટોઈનિસ (2), જોશ હેઝલવુડે (2) લીધી હતી, જ્યારે સૌથી મોંઘો બોલર મિશેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલ પુરવાર થયા હતા.

પહેલી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરે સદી ફટકારી કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 259 રનની ભાગીદારી કરી હતી. વોર્નરે 124 બોલમાં 163 રન કર્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને નવ છગ્ગા ફટકાર્યા હતા. માર્શે 108 બોલમાં 121 રન કર્યા હતા. દરમિયાન તેણે 10 ફોર અને 9 સિક્સર ફટકારી હતી.
વોર્નરે તેની વન-ડે કારકિર્દીની 21મી સદી ફટકારી અને માર્શે તેના કરિયરની બીજી સદી ફટકારી હતી. વોર્નર અને માર્શે સાથે મળીને ઓસ્ટ્રેલિયા માટે ઈતિહાસ પણ રચ્યો હતો. વર્લ્ડ કપમાં આ પ્રથમ વખત બન્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયાના બંને ઓપનિંગ બેટ્સમેનોએ એક મેચમાં સદી ફટકારી હોય. માર્શની વાત કરીએ તો તેણે સદી ફટકારીને પોતાના જન્મદિવસને ખાસ બનાવ્યો હતો. તે પોતાના જન્મદિવસ પર ઓસ્ટ્રેલિયા માટે વન-ડેમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો.
વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ વિકેટ માટે વોર્નર અને માર્શે સૌથી મોટી ભાગીદારી પણ કરી હતી. બંનેએ સાથે મળીને 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. 2011ના વર્લ્ડ કપમાં આ જ મેદાન પર શેન વોટસન અને બ્રેડ હેડિને કેનેડા સામે પ્રથમ વિકેટ માટે 183 રનની ભાગીદારી કરી હતી.

ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામે સતત ચોથી મેચમાં સદી ફટકારી છે. તેણે અગાઉ 2019 વર્લ્ડ કપ દરમિયાન ટોન્ટનમાં 107 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે 2017માં એડિલેડમાં 179 અને સિડનીમાં 130 રન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button