વર્લ્ડ ચૅમ્પિયનોએ વહાલસોયી ટ્રોફી સાથે આપ્યો અનોખો પોઝ

નવી મુંબઈઃ ભારતીય મહિલા ક્રિકેટરોએ રવિવારે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં પહેલી વાર વર્લ્ડ કપ ટ્રોફી (Trophy) જીતીને ભારતીય ક્રિકેટ માટે નવા ઇતિહાસનું સર્જન કર્યું એ પછી સેમિ ફાઇનલની સુપરસ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સે ઇન્સ્ટાગ્રામ (INSTAGRAM) પરના પોતાના સત્તાવાર હૅન્ડલ પર કેટલાક ફોટો શૅર કર્યા હતા જેમાંનો એક ફોટો (photo) અનોખો અને અવિસ્મરણીય છે. એમાં જેમિમા ચૅમ્પિયન ટીમની ઓપનર સ્મૃતિ મંધાના સાથે તેમ જ અન્ય સાથીઓ સાથે હૉટેલના રૂમમાં બેડ પર ટ્રોફી સાથે પોઝ આપી રહેલી જોવા મળે છે.
જેમિમાએ ગુરુવારે ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં જ વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા સામેની સેમિ ફાઇનલમાં ઑલમોસ્ટ ` વન વુમન શૉ’ જેવા પર્ફોર્મન્સમાં અણનમ 127 રન કરીને ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું હતું. રવિવારે તેણે 37 બૉલમાં 24 રન કર્યા હતા.
હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતીય ખેલાડીઓએ દેશનું દાયકાઓ જૂનું સપનું સાકાર કર્યું છે. ભારત આ પહેલાં મહિલા વન-ડે વર્લ્ડ કપમાં બે વખત (2005માં મિતાલી રાજના સુકાનમાં, 2017માં પણ મિતાલી રાજની કૅપ્ટન્સીમાં) ફાઇનલમાં પહોંચ્યું હતું, પરંતુ બન્ને વખત ભારત પરાજિત થયું હતું. 2017ના વર્ષની નિષ્ફળતા વખતે ભારતીય ટીમમાં હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા હતી અને આ વખતે ચૅમ્પિયન બનેલી ટીમમાં પણ આ ત્રણ ખેલાડી સામેલ હતી.
ભૂતપૂર્વ ક્રિકેટર મિતાલી રાજે તેમ જ પેસ બોલિંગ લેજન્ડ ઝુલન ગોસ્વામીએ રવિવારે નવી મુંબઈમાં ખૂબ ભાવુક સ્થિતિમાં ટીમ ઇન્ડિયા સાથે જીત ઉજવી હતી અને તેમને શાબાશી આપતા કહ્યું હતું કે અગાઉ બે વખત ભારત જે સિદ્ધિ ન મેળવી શક્યું એ તેમણે આ વખતે હાંસલ કરીને બતાવી.
આપણ વાંચો: અમિતાભ બચ્ચનથી લઈને સની દેઓલ અને અનુષ્કા શર્માએ ‘વર્લ્ડ ચેમ્પિયન્સ’ને ખોબલે ખોબલે અભિનંદન પાઠવ્યા…



