વર્લ્ડ ચૅમ્પિયન ભારતની ટીમ 150 રન પણ ન બનાવી શકી, એકેય હાફ સેન્ચુરી નહીં
પલ્લેકેલ: અહીં વરસાદને કારણે મોડી શરૂ થયેલી શ્રીલંકા સામેની સિરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20માં ભારતીય ટીમે બૅટિંગ મળ્યા બાદ સમયાંતરે વિકેટ ગુમાવી હતી અને ત્યાર બાદ છેવટે 20મી ઓવરને અંતે દાવ 137/9ના સ્કોર પર પૂરો થયો હતો.
સૂર્યકુમાર યાદવની ટીમે સિરીઝ જીતી લીધી છે, પરંતુ આ છેલ્લી મૅચમાં શરૂઆતથી (બીજી ઓવરથી) સિલસિલાબંધ વિકેટ ગુમાવી હતી. એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો બનાવી શક્યો. ઓપનર શુભમન ગિલ (39 રન, 37 બૉલ, ત્રણ ફોર) 16મી ઓવરમાં આઉટ થયો ત્યાં સુધીમાં તેણે સામા છેડા પરથી પાંચ વિકેટ પડતી જોઈ હતી. ખુદ ગિલ 102 રનના ટીમ-સ્કોર પર આઉટ થયો હતો.
રિયાન પરાગે 26 રન અને વૉશિંગ્ટન સુંદરે પચીસ રન બનાવ્યા હતા. ખુદ સૂર્યકુમાર આઠ રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
માહીશ થીકશાનાએ 28 રનમાં ત્રણ વિકેટ અને વનિન્દુ હસરંગાએ 29 રનમાં બે વિકેટ લીધી હતી.
વિકેટકીપર સંજુ સૅમસન રવિવાર પછી મંગળવારે પણ ઝીરોમાં આઉટ થઈ ગયો હતો. નવા જ પેસ બોલર ચામિન્ડુ વિક્રમાસિંઘેએ તેની વિકેટ લીધી હતી.
પલ્લેકેલની પિચ બૅટર્સ માટે ક્રીઝ પર ટકી રહેવામાં ખૂબ કઠિન હતી.
રિષભ પંતને તેમ જ હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને આરામ અપાયો હતો. ટીમ મૅનેજમેન્ટે તેમના સ્થાને ખલીલ અહમદ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર અને શુભમન ગિલને ફરી મોકો આપ્યો હતો.