સ્પોર્ટસ

વર્લ્ડ ચૅમ્પિયન બનવા વર્લ્ડ ચૅમ્પિયનને હરાવવી જ પડે એવું વિચારીને હુઆન્ગ સામે હું લડી અને જીતીઃ બૉક્સર પ્રીતિ પવાર…

ગ્રેટર નોઇડાઃ ઉત્તર પ્રદેશમાં અહીં વર્લ્ડ બૉક્સિંગ કપ ફાઇનલ્સ નામની ચૅમ્પિયનશિપમાં મંગળવારે મોડી રાત્રે ભારતની બાવીસ વર્ષીય મુક્કાબાજ પ્રીતિ પવારે 54 કિલો વર્ગની સેમિ ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયન અને ત્રણ વખત વિશ્વવિજેતા બની ચૂકેલી હુઆન્ગ સિઆઓ-વેનને 4-0થી પરાજિત કરીને સૌને ચોંકાવી દીધા હતા.

ટૅલન્ટેડ મુક્કાબાજ પ્રીતિ પવાર (Preeti Pawar) હરિયાણાના ભિવાની શહેરની છે. સેમિ ફાઇનલ (Semi final)માં તેનો મુકાબલો ઑલિમ્પિક્સનો મેડલ પણ જીતી ચૂકેલી અને ત્રણ-ત્રણ વખત વર્લ્ડ ચૅમ્પિયન બનનાર તાઇપેઇની હુઆન્ગ (Huang) સામે થવાનો છે એની જાણ થતાં જ પ્રીતિએ મનમાં ગાંઠ વાળી લીધી હતી કે હુઆન્ગને ગમે એમ કરીને હરાવી જ દેવી.

ખુદ પ્રીતિએ મંગળવારના મુકાબલા પછી કહ્યું હતું કે ` હું જાણતી હતી કે હુઆન્ગ વર્લ્ડ ચૅમ્પિયન છે. મેં એવું પણ વિચાર્યું હતું કે વર્લ્ડ ચૅમ્પિયન બનવું હોય તો વર્લ્ડ ચૅમ્પિયનને હરાવવી જ પડે. આવું વિચારીને જ હુઆન્ગ સામે લડવા હું રિંગમાં ઊતરી હતી. મેં 100 ટકા તાકાત કામે લગાડીને હોમ-ક્રાઉડ સામે જીતવાનો પણ નિશ્ચય કર્યો હતો અને એમાં હું સફળ થઈ.’

2022ની એશિયન ગેમ્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકેલી પ્રીતિ ઑલિમ્પિક્સમાં પણ ભાગ લઈ ચૂકી છે. 2023માં તે એશિયન મેડલ જીતી ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને અભિનંદન આપ્યા હતા. 2020ની ટોક્યો ઑલિમ્પિક્સમાં તાઇપેઇની હુઆન્ગ ગોલ્ડ મેડલ જીતી હતી અને તેને પ્રીતિએ મંગળવારે એક પણ પૉઇન્ટ નહોતો લેવા દીધો અને 4-0થી જીતી ગઈ હતી.

પ્રીતિ પવારનો જન્મ 2003માં થયો હતો. તેને નાનપણમાં બૉક્સિંગમાં કરીઅર બનાવવાનું જરાય પસંદ નહોતું, પરંતુ સમય જતાં તેનામાં મુક્કાબાજીની ટૅલન્ટ વિકસતી ગઈ અને તેને એમાં કારકિર્દી બનાવવામાં રસ જાગ્યો હતો. તેના મમ્મી-પપ્પાએ તેની ટૅલન્ટ પારખીને તેને બૉક્સર બનવા પૂરો સપોર્ટ આપ્યો હતો.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button