જેમિમાની લડાયક ઇનિંગ્સથી જયજયકારઃ ભારત ફાઇનલમાં

નવી મુંબઈઃ ભારતે અહીં ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ગુરુવારે ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાને દિલધડક સેમિ ફાઇનલમાં પાંચ વિકેટે હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે 339 રનનો લક્ષ્યાંક 48.3 ઓવરમાં 5/341ના સ્કોર સાથે (નવ બૉલ બાકી રાખીને) મેળવી લીધો હતો. મુંબઈની જેમિમા રૉડ્રિગ્સ (127 અણનમ, 134 બૉલ, 193 મિનિટ, 14 ફોર) આ હાઈ-પ્રોફાઇલ અને હાઇ-સ્કોરિંગ મુકાબલાની સુપરસ્ટાર હતી. તેની અને કૅપ્ટન હરમનપ્રીત કૌર (89 રન, 88 બૉલ, બે સિક્સર, દસ ફોર) વચ્ચે 156 બૉલમાં 167 રનની મૅચ-વિનિંગ ભાગીદારી થઈ હતી. વનડાઉનમાં રમવા આવ્યા બાદ જેમિમા ઘાયલ થવા છતાં અને ખૂબ જ થાકી ગઈ હોવા છતાં લડાયક ઇનિંગ્સમાં છેક સુધી યાદગાર ઇનિંગ્સ રમી હતી. નસીબજોગે વરસાદે આ મૅચમાં પરેશાન નહોતા કર્યા.
મૅચની અંતિમ પળોમાં ઑસ્ટ્રેલિયાની ફીલ્ડર્સે છોડેલા કૅચ આ મુકાબલાના ટર્નિંગ પૉઇન્ટ હતા. ગયા વખતની ચૅમ્પિયન ટીમે સ્મૃતિ મંધાના અને હરમનપ્રીતને ટાર્ગેટ બનાવવાના મનસૂબા સાથે આ મૅચમાં રમવાનું શરૂ કર્યું હશે, પરંતુ જેમિમા તેમને સૌથી વધુ ભારે પડી. જેમિમાએ એક પછી એક જોડીદાર સાથે મળીને ખૂબ જ સમજદારીપૂર્વકના વ્યૂહ સાથે ભારતને અવિસ્મરણીય વિજય અપાવ્યો હતો.
અગાઉ બે વાર ફાઇનલમાં પહોંચીને ટ્રોફીથી વંચિત રહેલા ભારતને આ વખતે પહેલી જ વખત વર્લ્ડ કપની ટ્રોફી જીતવાની સુવર્ણ તક છે. ભારતે 339 રનનો તોતિંગ લક્ષ્યાંક મહામહેનતે મેળવી જ લીધો હતો.
જેમિમાએ હરમન સાથેની 167 રનની પાર્ટનરશિપ ઉપરાંત મંધાના સાથે 46 રનની, દીપ્તિ શર્મા સાથે 38 રનની, રિચા ઘોષ સાથે 46 રનની પાર્ટનરશિપ અને છેલ્લે અમનજોત કૌર સાથે 31 રનની અતૂટ ભાગીદારી કરી હતી.
જેમિમાએ 115 બૉલમાં દસ ફોરની મદદથી 100 રન પૂરા કર્યા હતા. કૅપ્ટન હરમનપ્રીત કૌર 89 રન કરીને આઉટ થઈ હતી. દીપ્તિ શર્મા 24 રનનું બહુમૂલ્ય યોગદાન આપીને વિકેટ ગુમાવી બેઠી હતી. જોકે પછીથી રિચા ઘોષ, દીપ્તિ અને અમનજોત કૌરે જેમિમાને સાથ આપીને ભારતને વિજય અપાવવામાં યોગદાન આપ્યા હતા.
રવિવારે (બપોરે 3.00 વાગ્યાથી) ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં ફાઇનલમાં ભારતનો મુકાબલો સાઉથ આફ્રિકા સામે થશે.



