સ્પોર્ટસ

ટી-20 વર્લ્ડ કપમાં ‘યજમાન’ બાંગ્લાદેશે જીતીને દાયકા જૂની નિરાશા દૂર કરી

શારજાહ: બાંગ્લાદેશે અહીં ગુરુવારે મહિલાઓના ટી-20 વર્લ્ડ કપની પહેલી જ રોમાંચક મૅચમાં દમદાર ટીમ-વર્કથી સ્કૉટલૅન્ડને 16 રનથી હરાવીને 10 વર્ષે ફરી વિજયનું ખાતું ખોલાવ્યું હતું. ટી-20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશની મહિલાઓ જીતી હોય એવું છેલ્લે 2014માં બન્યું હતું. ત્યાર બાદ બાંગ્લાદેશ સતત 16 મૅચ હારી હતી અને ગુરુવારે એની ટીમે ફરી જીતવાની શરૂઆત કરી હતી.

આ વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં યોજાવાનો હતો, પરંતુ ત્યાં અભૂતપૂર્વ રાજકીય અરાજકતાને પગલે આઇસીસીએ આયોજન યુએઇને સોંપ્યું હતું. જોકે બાંગ્લાદેશ આ ટૂર્નામેન્ટનું મૂળ યજમાન કહેવાય.
ગ્રૂપ-બીમાં બાંગ્લાદેશે 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વચ્ચે ટૉસ જીત્યા બાદ શારજાહની ફ્રેશ પિચ પર બૅટિંગ પસંદ કરીને સાત વિકેટે 119 રન બનાવ્યા હતા જેમાં શોભના મોસ્ટૅરીના 36 રન હાઇએસ્ટ હતા. ઓપનર શાથી રાનીએ 29 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની કૅપ્ટન નિગાર સુલતાના 18 બૉલમાં ફક્ત 18 રન બનાવી શકી હતી, પણ તેની આ 100મી ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ હતી અને તેના સુકાનમાં બાંગ્લાદેશ જીત્યું હોવાથી આ મૅચ તેના માટે યાદગાર બની ગઈ કહેવાય.
સ્કૉટલૅન્ડની ઑફ-સ્પિનર સાસ્કિયા હૉર્લીએ 13 રનમાં સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી.

સ્કૉટલૅન્ડ પહેલી જ વાર મહિલા વર્લ્ડ કપમાં રમી રહ્યું છે. એની ફીલ્ડિંગ નબળી હતી. સ્કૉટિશ ફીલ્ડર્સે ત્રણ સીધા કૅચ છોડ્યા હતા. જોકે બૅટિંગમાં સ્કૉટિશ ટીમે બાંગ્લાદેશની અનુભવી બોલર્સને સારી લડત આપી હતી. સ્કૉટલૅન્ડની બૅટર્સ પૂરી 20 ઓવર રમી હતી, પરંતુ સાત વિકેટે 103 રન બનાવી શક્તા માત્ર 17 રન માટે ઐતિહાસિક વિજયથી વંચિત રહી ગઈ હતી. વિકેટકીપર સારા બ્રાયસ બાવન બૉલમાં બનાવેલા 49 રને અણનમ રહી હતી. બાંગ્લાદેશની પેસ બોલર રિતુ મોનીએ 15 રનમાં સૌથી વધુ બે વિકેટ લીધી હતી, જ્યારે મારુફા અખ્તર, નાહિદા અખ્તર, ફાહિમા ખાતુન અને રબેયા ખાને એક-એક વિકેટ લીધી હતી.

આખી મૅચમાં કુલ 15 બાઉન્ડરી ફટકારવામાં આવી હતી જેમાંથી ફક્ત પાંચ બાઉન્ડરી સ્કૉટલૅન્ડની હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button