સ્પોર્ટસ

મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાંથી હટાવાયો, હવે રમાશે…

દુબઈ: આગામી ઑક્ટોબરમાં મહિલાઓનો ટી-20 વર્લ્ડ કપ બાંગ્લાદેશમાં રમાવાનો હતો, પરંતુ ત્યાં લોહિયાળ તોફાનો અને ક્રાંતિકારી દેખાવોને પગલે અરાજકતાની સ્થિતિ હોવાને કારણે આઇસીસીએ પોતાની આ ટૂર્નામેન્ટ બાંગ્લાદેશમાં ન રાખવાનું નક્કી કર્યું છે.

આઇસીસીએ 3-20 ઑક્ટોબર દરમ્યાન યોજાનારી આ સ્પર્ધા યુએઇમાં રાખવાનો નિર્ણય લીધો છે. વિમેન્સ ટી-20 વર્લ્ડ કપની મૅચો દુબઈ અને શારજાહમાં રમાશે.

ભારત તેમ જ ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ અને બ્રિટને તેમ જ સ્કૉટલૅન્ડે પોતાના નાગરિકોને બાંગ્લાદેશમાં ન જવાની તાકીદ કરી એને પગલે આઇસીસીએ બાંગ્લાદેશ પર ચોકડી મૂકી છે.

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાને ત્યાં આ વિશ્ર્વ કપ યોજાય એ માટે છેલ્લી ઘડી સુધી પ્રયત્નો કર્યા હતા, પરંતુ ખુદ બોર્ડના પ્રમુખ તેમ જ કેટલાક ડિરેકટરો દેશ છોડીને ભાગી ગયા હોવાથી આઇસીસીએ નક્કી કરી લીધું કે હવે આ સ્પર્ધા ત્યાં યોજવી જ નથી.

બીસીસીઆઇએ ભારતમાં આ સ્પર્ધા યોજવાની ના પાડી હતી. ત્યાર બાદ યુએઇ અને ઝિમ્બાબ્વે બે વિકલ્પ હતા જેમાંથી યુએઇ પર કળશ ઢોળવામાં આવ્યો છે.

યુએઇમાં ઓમાન સાથેના સહયોગમાં 2021માં મેન્સ ટી-20 વર્લ્ડ કપ યોજાયો હતો. 2023નો ટી-20 વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં યોજાયો હતો અને એમાં ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન બન્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button