ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે થશે ટક્કર, જાણો ક્યારે અને ક્યાં…
ખાસ બંને કટ્ટર દેશની મૅચ માટે શેડ્યૂલ નવેસરથી બનાવાયું
દામ્બુલા: શ્રીલંકામાં આવતા મહિને (19-28 જુલાઈ) મહિલાઓની આઠ ટી-20 ટીમ વચ્ચે એશિયા કપ ટૂર્નામેન્ટ રમાશે જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થશે. 19મી જુલાઈએ ટૂર્નામેન્ટની બપોરની (2.00 વાગ્યાની) સૌપ્રથમ મૅચ નેપાળ અને યુએઈ વચ્ચે રમાશે અને ત્યાર બાદ સાંજે (7.00 વાગ્યે) ભારત-પાકિસ્તાનનો જંગ શરૂ થશે.
માર્ચમાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ પહેલી વાર શેડ્યૂલ જાહેર કર્યું એમાં ભારત-પાકિસ્તાનની મૅચ 21મી જુલાઈએ રમાશે એવું બતાવવામાં આવ્યું હતું. એ સમયપત્રક મુજબ 19મી જુલાઈની પહેલી મૅચ નેપાળ-પાકિસ્તાન વચ્ચે રમાવાની હતી અને એ જ દિવસે બીજી મૅચ ભારત-યુએઈની હતી. હવે એ બંને મૅચ 21મી જુલાઈએ રમાશે.
ટૂંકમાં, ભારત-પાકિસ્તાનનો મુકાબલો 21મી જુલાઈને બદલે વહેલો કરીને 19મી જુલાઈએ રાખવામાં આવ્યો છે.
તમામ મૅચો શ્રીલંકાના દામ્બુલા શહેરમાં રમાશે.
આ વખતે સાતને બદલે આઠ ટીમ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. પાછલી ટૂર્નામેન્ટની એક ટીમ આ વખતે ઉમેરવામાં આવી છે.
આ ટીમોને બે ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, યુએઈનો સમાવેશ છે. ગ્રૂપ-બીમાં યજમાન શ્રીલંકા, બંગલાદેશ, મલેશિયા અને થાઈલેન્ડ છે. બંને ગ્રૂપની મોખરાની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં જશે. 26મી જુલાઈએ સેમિ ફાઇનલ અને 28 જુલાઈએ ફાઈનલ રમાશે.
ભારતની મહિલા ક્રિકેટરો સાત વખત આ ટૂર્નામેન્ટ જીતી ચૂકી છે જે વિક્રમ છે. 2022ના એશિયા કપની ફાઇનલમાં હરમનપ્રીત કૌરના સુકાનમાં ભારતે શ્રીલંકાને આઠ વિકેટે હરાવ્યું હતું. એ લો-સ્કોરિંગ મુકાબલામાં ઓપનર સ્મૃતિ મંધાનાએ 51 રન બનાવ્યા હતા. પેસ બોલર રેણુકા સિંહને ત્રણ વિકેટના તરખાટ બદલ પ્લેયર ઓફ ધ ફાઈનલનો અને દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. 2022ની જેમ આ વખતની ટૂર્નામેન્ટમાં પણ તમામ મહિલા અમ્પાયરો જોવા મળશે. મહિલાઓના આ એશિયા કપ બાદ મહિલા ક્રિકેટરો વચ્ચેનો ટી-20 વર્લ્ડ કપ ઓક્ટોબરમાં બંગલાદેશમાં રમાશે.