સ્મૃતિ મંધાનાની આક્રમક સેન્ચુરી, ભારતના 5/210 સામે ઇંગ્લૅન્ડે નવ રનમાં બે વિકેટ ગુમાવી...

સ્મૃતિ મંધાનાની આક્રમક સેન્ચુરી, ભારતના 5/210 સામે ઇંગ્લૅન્ડે નવ રનમાં બે વિકેટ ગુમાવી…

નૉટિંગહૅમઃ ભારત (INDIA)ની મહિલા ક્રિકેટ ટીમે અહીં ઇંગ્લૅન્ડ (ENGLAND) સામેની સિરીઝની પ્રથમ ટી-20માં નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટે 210 રન કર્યા હતા જેમાં કૅપ્ટન સ્મૃતિ મંધાના (112 રન, 62 બૉલ, ત્રણ સિકસર, પંદર ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. તેની અને હર્લીન દેઓલ (43 રન, 23 બૉલ, સાત ફોર) વચ્ચે બીજી વિકેટ માટે 94 રનની ભાગીદારી થઈ હતી.

ઇંગ્લૅન્ડે 211 રનના તોતિંગ લક્ષ્યાંક સામે ધબડકા સાથે શરૂઆત કરી હતી. નવ રનમાં એણે બે વિકેટ ગુમાવી હતી. અમનજોત કૌર અને દીપ્તિ શર્માએ એક-એક વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડની કૅપ્ટન નૅટ સિવર-બ્રન્ટે ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી હતી અને ભારતીય ટીમે પ્રથમ બૅટિંગ મળતાં પૂરો ફાયદો લીધો હતો. ઓપનર શેફાલી વર્મા (20 રન) અને સ્મૃતિ (SMRITI MANDHANA) વચ્ચે 77 રનની ઓપનિંગ પાર્ટનરશિપ થઈ હતી.

વિકેટકીપર-બૅટર રિચા ઘોષ માત્ર 12 રન બનાવી શકી હતી, જ્યારે જેમાઇમા રૉડ્રિગ્સ ખાતું ખોલાવતાં પહેલાં જ આઉટ થઈ ગઈ હતી.ઇંગ્લૅન્ડની પેસ બોલર લૉરેને 27 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. સ્મૃતિ મંધાનાની મહત્ત્વની વિકેટ સૉફી એકલસ્ટને લીધી હતી. અમનજોત કૌર ત્રણ રને અને દીપ્તિ શર્મા સાત રને અણનમ રહી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button