
બાટુમી (જ્યોર્જિયા): મહિલાઓના ચેસ વર્લ્ડ કપમાં પહેલી જ વાર ફાઇનલમાં બન્ને ભારતીય સ્પર્ધક સામસામે છે અને એમાં તેમની પ્રથમ ગેમ શનિવારે ડ્રૉમાં જતાં બન્નેને 0.5-0.5 પૉઇન્ટ ફાળવવામાં આવ્યા હતા. આંધ્ર પ્રદેશની 38 વર્ષની કૉનેરુ હમ્પી Koneru Humpy) અને નાગપુરની 19 વર્ષીય દિવ્યા દેશમુખ (Divya Deshmukh) વચ્ચે આ ટક્કર થઈ રહી છે જેમાં શનિવારના આરંભમાં દિવ્યાએ પ્રથમ ગેમમાં હમ્પીને લડત આપીને સામેની ગેમ ડ્રૉ કરી હતી.
આ ફિડે વર્લ્ડ કપની બીજી ગેમ રવિવાર, 27મી જુલાઈએ (ભારતીય સમય મુજબ સાંજે 4.30 વાગ્યાથી) નિર્ધારિત હોવાનું ચેસડૉટકૉમ (chess.com)ની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું.
બે દિવસના આ વર્લ્ડ કપમાં શનિવારની પ્રારંભિક ગેમમાં બન્ને સ્પર્ધકને સરસાઈ મેળવવાની તક મળી હતી, પરંતુ તેમણે એ ગુમાવી હતી. જોકે આ ગેમમાં તેઓ પોતાને પરાજયથી બચાવવામાં પણ સફળ થઈ હતી.
બે વખત મહિલા ચેસમાં વર્લ્ડ રૅપિડ ચૅમ્પિયન બની ચૂકેલી હમ્પી શનિવારે દિવ્યા સામે કાળા મ્હોરાથી રમી હતી અને એમાં પહેલી ભૂલ તેણે જ કરી હતી. જોકે છેવટે ગેમને ડ્રૉ (Draw) કરાવવામાં તે સફળ રહેતાં હવે બીજી ગેમમાં હમ્પી સફેદ મ્હોરાથી શરૂઆત કરીને દિવ્યા પર આક્રમણ કરી શકે એવી સ્થિતિ બની હતી.
ખરેખર તો ગેમ-વનમાં બે ગેમ હતી જેમાં બન્ને ભારતીય ફાઇનલિસ્ટે એકમેકને જોરદાર ટક્કર આપી હતી. આ વર્લ્ડ કપમાં વિજેતા થનાર ખેલાડીને 42 લાખ રૂપિયાનું પ્રથમ ઇનામ અને રનર-અપને 29 લાખ રૂપિયાનું બીજું ઇનામ મળશે.
હમ્પી અને દિવ્યાએ પોતપોતાની સેમિ ફાઇનલમાં ચીની હરીફોને પરાજિત કરી હતી. એ સેમિની પરાજિત ચીની ખેલાડીઓ ત્રીજા-ચોથા સ્થાન માટેની પ્રથમ ગેમમાં બરાબરીમાં રહી હતી. ઝોન્ગ્યી અને તિન્જિગ વચ્ચેની પ્રથમ ગેમ ડ્રૉમાં પરિણમી હતી.