સ્પોર્ટસ

સોમવારથી વિમ્બલ્ડનઃ અલ્કારાઝ-સિનર અને કૉકો-સબાલેન્કા પર સૌની નજર

જૉકોવિચ પચીસમા ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલની તલાશમાં

લંડનઃ અહીં સોમવાર, 30મી જૂને ટેનિસની ગ્રેન્ડ સ્લૅમ સ્પર્ધાઓમાં સર્વોત્તમ ગણાતી વિમ્બલ્ડન Wimbledon) ચૅમ્પિયનશિપનો આરંભ અસહ્ય ગરમી વચ્ચે થવાની પાકી સંભાવના છે, કારણકે લંડનની વેધશાળા મુજબ દિવસ દરમ્યાન તાપમાન (Temperature) 34 ડિગ્રી જેટલું રહેશે અને એમાં ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં પસીને રેબઝેબ થઈને બીજા રાઉન્ડમાં પહોંચવા કમર કસશે.

પુરુષોમાં વર્લ્ડ નંબર-વન યાનિક સિનર તાજેતરમાં ફ્રેન્ચ ઓપનમાં પરાજિત થયા બાદ હવે ગ્રાસ કોર્ટની વિમ્બલ્ડનમાં ટાઇટલ જીતવા મક્કમ છે. જોકે વર્લ્ડ નંબર-ટૂ સ્પેનના કાર્લોસ અલ્કારાઝ (Alcaraz)ને સતત ત્રીજું વિમ્બલ્ડન સિંગલ્સ ટાઇટલ જીતનાર બ્યૉન બોર્ગ, પીટ સૅમ્પ્રસ, રોજર ફેડરર અને નોવાક જૉકોવિચ પછીનો પાંચમો ખેલાડી બનવાનો મોકો છે. અલ્કારાઝે તાજેતરમાં જ સિનરને ક્લે કોર્ટ પરની ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં હારવ્યો હતો.

મહિલાઓમાં વર્લ્ડ નંબર-વન એલીના સબાલેન્કા ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં વર્લ્ડ નંબર-ટૂ કૉકો ગૉફ સામે પરાજિત થઈ હતી અને હવે તેઓ પહેલી વાર વિમ્બલ્ડન જીતવા કોઈ કસર બાકી નહીં રાખે.

આપણ વાંચો ન્યૂ યોર્ક મેયરની રેસમાં વિવાદ: ભારતીય મૂળના ઝોહરાન મમદાની પર ટ્રમ્પના પ્રહાર

જોકે કૉકો અને સબાલેન્કાએ ત્રીજા ક્રમની જેસિકા પેગુલા, જાસ્મિન પાઓલિની તેમ જ ભૂતપૂર્વ નંબર-વન ઇગા સ્વૉન્ટેક વગેરેના પડકાર માટે પણ તૈયાર રહેવું પડશે.

પુરુષોમાં નોવાક જૉકોવિચ વિક્રમજનક સાત વખત વિમ્બલ્ડન જીતવાની સાથે કુલ 24 ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો છે અને પચીસમા ટાઇટલની તલાશમાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button