વિમ્બલ્ડનમાં રેકૉર્ડ-બ્રેક ગરમીમાં જીતતાં વર્લ્ડ નંબર-ટૂ અલ્કારાઝના `નાકે દમ આવી ગયો’

લંડનઃ સોમવારે અહીં વિમ્બલ્ડન ચૅમ્પિયનશિપનો આરંભ રેકૉર્ડ-બ્રેક 91 ડિગ્રી ફેરનહિટ (33 સેલ્સિયસ) તાપમાન વચ્ચે થયો હતો અને એમાં તમામ ખેલાડીઓએ અસહ્ય ગરમીમાં રમવું પડ્યું હતું જેમાં ખાસ કરીને ડિફેન્ડિંગ ચૅમ્પિયન અને વિશ્વના બીજા નંબરના ખેલાડી સ્પેનનો કાર્લોસ અલ્કારાઝ (Alcaraz) મહા મહેનતે જીત્યો હતો. વિમ્બલ્ડન (Wimbledon)ના ઇતિહાસમાં આ સૌથી વધુ તાપમાનવાળો પ્રારંભિક દિવસ હતો.
સૌથી જૂની ગ્રેન્ડ સ્લૅમ ટૂર્નામેન્ટ વિમ્બલ્ડનના પહેલા રાઉન્ડમાં બાવીસ વર્ષીય અલ્કારાઝ સામે તેનાથી ઉંમરમાં ઘણો મોટો (38 વર્ષનો ઇટાલિયન ખેલાડી) ફૅબિયો ફૉગ્નિની રમી રહ્યો હતો અને તેમની મૅચ સાડાચાર કલાક સુધી ચાલી હતી જેમાં અલ્કારાઝે 7-5, 6-7 (5-7), 7-5, 2-6, 6-1થી વિજય મેળવ્યો હતો. જોકે અલ્કારાઝને લાંબી મૅચો રમવાની આદત છે. ત્રણ અઠવાડિયા પહેલાં તે ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં યાનિક સિનર સામે સાડાપાંચ કલાક સુધી ઝઝૂમ્યા પછી છેવટે જીત્યો હતો.

અલ્કારાઝ બીમાર ચાહક પાસે દોડી ગયો
અલ્કારાઝ-ફૉગ્નિની વચ્ચેની મૅચ ચાલી રહી હતી ત્યારે અસહ્ય ગરમી (Rcord Heatwave)ને કારણે એક સ્ટૅન્ડમાં બેઠેલો અલ્કારાઝના ચાહકને ડિહાઇડ્રેશન સહિતની તકલીફ થઈ હતી. મૅચ 15 મિનિટ માટે અટકી હતી. અલ્કારાઝ ઠંડા પાણીની બૉટલ લઈને તેની પાસે દોડી ગયો હતો. સ્ટેડિયમના સ્ટાફે પણ એ ટેનિસ ફૅનને મદદ કરી હતી.
અલ્કારાઝ બચી ગયો, હ્યુઇટની હરોળમાં ન આવ્યો
પાંચ ગ્રેન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા તેમ જ બે વર્ષથી (2023માં, 2024માં) વિમ્બલ્ડનમાં સિંગલ્સની ટ્રોફી જીતી રહેલા અલ્કારાઝની પુરુષોની ટેનિસમાં બીજી રૅન્ક છે, જ્યારે ફૉગ્નિનીની 138મી રૅન્ક છે. એમ છતાં અલ્કારાઝે તેની સામે જીતવા ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો. છેવટે અલ્કારાઝ જીત્યો હતો અને કરીઅરમાં સતત સૌથી વધુ જીતવાની પરંપરા તેણે જાળવી હતી. અલ્કારાઝનો આ સતત 19મો વિજય હતો. અલ્કારાઝ હજી ત્રણ અઠવાડિયા પહેલાં ફ્રેન્ચ ઓપન જીત્યો હતો અને હવે તેણે વિમ્બલ્ડનમાં પહેલા જ દિવસે એવા હરીફ ખેલાડી સામે સંઘર્ષ સાથે પહેલો રાઉન્ડ જીતવો પડ્યો છે જે વર્તમાન સીઝન બાદ નિવૃત્ત થવા વિચારી રહ્યો છે.
જો અલ્કારાઝ સોમવારે ફૉગ્નિની સામે હારી ગયો હોત તો વિમ્બલ્ડનનો ડિફેન્ડિંગ ચૅમ્પિયન પછીના જ વર્ષના પ્રથમ રાઉન્ડમાં જ હારી ગયો હોય એવું ત્રીજી વાર બન્યું હોત. 1967માં મૅન્યૂએલ સૅન્ટના અને 2003માં લેટન હ્યુઇટ વિમ્બલ્ડનમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે રમવા ઊતર્યા બાદ પહેલી જ મૅચમાં હારી ગયા હતા.

સૂરજ જાણે વધુને વધુ નજીક આવ્યોઃ ફ્રેન્ચ ખેલાડી
2024માં પુરુષોની ટેનિસમાં 17મી રૅન્ક મેળવનાર ફ્રાન્સના 37 વર્ષની ઉંમરના ઍડ્રિયન મૅનરિનોએ પહેલા રાઉન્ડની મૅચ જીત્યા પછી કહ્યું, ` હું રમતો હતો ત્યારે એવું લાગતું હતું કે સૂરજદાદા દર મિનિટે મારી વધુને વધુ નજીક આવીને દૂર જઈ રહ્યા છે.’ઍડ્રિયને માથા પરના વાળ કપાવી નાખ્યા છે અને તે અસહ્ય ગરમીમાં વારંવાર માથા પર સનસ્ક્રીનનો સ્પ્રે કરતો જોવા મળ્યો હતો.

મેડવેડેવ ફરી પહેલા રાઉન્ડમાં હાર્યો
રશિયાનો ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન ડેનિલ મેડવેડેવ 2023 અને 2024માં વિમ્બલ્ડનમાં સેમિ ફાઇનલ સુધી પહોંચ્યો હતો, પરંતુ સોમવારે તે પહેલા જ રાઉન્ડમાં બેન્જામિન બૉન્ઝી સામે 6-7 (2-7), 6-3, 6-7 (3-7), 2-6થી હારી ગયો હતો. છ ફૂટ છ ઇંચ ઊંચો મેડવેડેવ ત્રણ અઠવાડિયા પહેલાં ફ્રેન્ચ ઓપનમાં પણ પ્રથમ રાઉન્ડમાં પરાજિત થયો હતો. એ અગાઉ, જાન્યુઆરીની ઑસ્ટ્રેલિયન ઓપનમાં તે બીજા રાઉન્ડમાં હાર્યો હતો. તે છેલ્લે એક વર્ષમાં ઉપરાઉપરી બે ગૅ્રન્ડ સ્લૅમમાં પહેલા રાઉન્ડમાં પરાજિત થયો હોય એવું 2017ની સાલમાં (આઠ વર્ષ પહેલાં) બન્યું હતું.

જાબૂરે શ્વાસમાં તકલીફ થતાં મૅચ છોડી
એક સમયની મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-ટૂ ખેલાડી અને બે વખત વિમ્બલ્ડનમાં રનર-અપ બની ચૂકેલી ટ્યૂનિશિયાની ઑન્સ જાબૂરને સોમવારે વિમ્બલ્ડનમાં પહેલો રાઉન્ડ રમતી વખતે શ્વાસ લેવામાં તકલીફ થતાં તેણે એ મૅચ અધવચ્ચેથી છોડી દીધી હતી. તે મૅચમાંથી રિટાયર થઈ જતાં તેની સામેની મૅચમાં 7-6 (7-5), 2-0થી આગળ રહેલી વિક્ટોરિયા તોમોવાને વિજેતા જાહેર કરાઈ હતી અને તેણે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
પેગુલા હારી, સબાલેન્કા જીતી
ત્રીજા ક્રમની અમેરિકી ખેલાડી જેસિકા પેગુલા પહેલા જ રાઉન્ડમાં હારી ગઈ છે. તેને ઇટલીની એલિસાબેટ્ટા કૉચિયારેટોએ 6-2, 6-3થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. બીજી મૅચમાં બ્રિટનની ભૂતપૂર્વ નંબર-વન કૅટી બૉલ્ટરે સ્પેનની પોઉલા બડૉસાને 6-2, 3-6, 6-4થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. વર્લ્ડ નંબર-વન ઍરીના સબાલેન્કાનો પ્રથમ રાઉન્ડમાં કૅનેડાની કાર્સન બે્રન્સ્ટાઇન 6-1, 7-5થી વિજય થયો હતો.
આપણ વાંચો : આ વખતની વિમ્બલ્ડનના ટેનિસ કપલ કોણ છે, જાણો છો?