ઈસ્લામાબાદમાં હંગામા બાદ ટીમો પાકિસ્તાનમાં રમવાથી ડરી રહી છે, તો શું ચેમ્પિયન્સ ટ્રોફી અન્ય દેશમાં યોજાશે?
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન મુશ્કેલીમાં આવી શકે છે અને તેનું કારણ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં તાજેતરમાં થયેલા રમખાણો છે, જેના કારણે સુરક્ષાના કારણોસર ઘણી ટીમો પાકિસ્તાનમાં રમવાનું ટાળી શકે છે. ઈમરાન ખાનના સમર્થકોએ તાજેતરમાં ઈસ્લામાબાદમાં ભારે ઉત્પાત મચાવ્યો હતો.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) દ્વારા કરવામાં આવવાનું છે, પરંતુ હવે રાજકીય અશાંતિના કારણે આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર ટ્રાન્સફર થવાની શક્યતા છે. એક રિપોર્ટ અનુસાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લઈ રહેલા કેટલાક અન્ય દેશોએ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી છે.
જેના કારણે આ આ ટૂર્નામેન્ટ પાકિસ્તાનની બહાર ટ્રાન્સફર થઇ શકે છે. તેને PCB સાથે હાઇબ્રિડ મોડલમાં ગોઠવી શકાય છે. હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને એક અપડેટ સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પાકિસ્તાનને આ ટૂર્નામેન્ટ માટે હાઈબ્રિડ મોડલ માટે સંમત થવા જણાવ્યું છે.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં હાલમાં ભારે અંધાધૂંધી ફેલાયેલી છે. જેલમાં બંધ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થકોએ રાજધાનીની ઘેરાબંધી કરી છે. પાકિસ્તાની સત્તાવાળાઓએ જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના લગભગ 1,000 સમર્થકોની ધરપકડ કરી છે. પાકિસ્તાનમાં આ બધી અરાજકતા પાછળનું કારણ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના ચીફ અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની કસ્ટડી છે. ઈસ્લામાબાદની એક અદાલતે 5 ઓગસ્ટ, 2023ના રોજ તોશાખાના કેસમાં તેમને દોષિત જાહેર કર્યા હતા, ત્યારબાદ તેમને ઈસ્લામાબાદમાં તેમના જમાન પાર્ક હાઉસમાંથી ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ પછી તેમની સામે અનેક કેસ શરૂ કરવામાં આવ્યા હતા. હાલમાં સ્થિતિ એવી છે કે ઈમરાન વિરુદ્ધ 200થી વધુ કેસ નોંધાયેલા છે. તેઓ ગત ઓગસ્ટ મહિનાથી જેલમાં છે, પરંતુ હવે તેમની મુક્તિની માંગણી સાથે શરૂ થયેલા આંદોલનને કારણે નવો હંગામો થયો છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાનીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલ મડાગાંઠ કોઈ નવી વાત નથી. છેલ્લા કેટલાક મહિનાઓથી બંને દેશો વચ્ચે મતભેદ ચાલી રહ્યા છે અને બંને પક્ષો પોતાના વલણ પર અડગ છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને અંતિમ નિર્ણય 29 નવેમ્બરે મળનારી આઈસીસી બોર્ડના સભ્યોની બેઠકમાં લેવામાં આવશે.
ભારત અને પાકિસ્તાને 2012 થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, પરંતુ તેઓ ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ સહિત ICC ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરી રહ્યાં છે. ગયા વર્ષે, ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યા પછી પાકિસ્તાન દ્વારા આયોજિત એશિયા કપને પણ હાઇબ્રિડ મોડલમાં બદલવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતે તેની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.
Also Read – IND VS AUS: ઓસ્ટ્રિલયન ક્રિકેટરે જયસ્વાલ માટે કરી મોટી વાત, નબળાઈ નથી પણ..
પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી ટૂર્નામેન્ટ જીતી હતી. આ વખતે તે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી ટૂર્નામેન્ટની યજમાની કરશે. 2017 બાદ આ પ્રથમ વાર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થઇ રહ્યું છે.
1996 વર્લ્ડ કપ પછી પાકિસ્તાનની આ પ્રથમ ICC ઇવેન્ટ છે. 1996ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને શ્રીલંકા પણ સહ-યજમાન હતા. પરંતુ તાજેતરના રમખાણો બાદ પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન થાય તેની શક્યતા ઘણી ઓછી છે.