
ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરૂઆત પહેલા જ શુભમન ગીલ બિમાર પડી જતા ક્રિકેટરસિકોને આંચકો લાગ્યો હતો. આગામી મેચમાં ગીલ ટીમ ઇન્ડિયાનો ભાગ હશે કે કેમ તે અંગે અનેક તર્ક વિતર્કો વચ્ચે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક મહત્વની અપડેટ શેર કરી છે.
આવતીકાલથી ભારતીય ટીમ પોતાના વર્લ્ડકપ અભિયાનની શરૂઆત કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. ત્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ જણાવ્યું હતું કે, મેચમાં શાનદાર પ્રદર્શન માટે અમારી ટીમના ખેલાડીઓ સજ્જ છે અને આત્મવિશ્વાસથી ભરપૂર છે. જો કે શુભમન 100 ટકા ફીટ નથી. તે બિમાર છે અને તેની ફિટનેસ પર અમે નજર રાખી રહ્યા છે તેમ રોહિતે કહ્યું હતું.
શુભમન ગીલની ઇજા ભારતીય ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલીનું કારણ બની છે. એશિયા કપ બાદ શુભમન ગીલે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સીરિઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, પરંતુ વર્લ્ડકપ પહેલાં શુભમન ગીલ ઈજાગ્રસ્ત થયો થવાથી ફોર્મમાં હોવા છતાં તેને ટીમમાં લેવા અંગે મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે. આવતીકાલની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ બાદ ભારતીય ટીમ 11 ઓક્ટોબરે દિલ્લીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચ રમવા મેદાને ઉતરશે. તે પછી ભારતીય ટીમ પોતાની ત્રીજી મેચ પાકિસ્તાન વિરુદ્ધ 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા ઉતરશે. ક્રિકેટ ફેન્સ આ મેચની આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.