સ્પોર્ટસ

પૃથ્વી શો મુંબઈ ટીમ છોડશે? ક્રિકેટ એસોસિએશન પાસે NOCની માંગણી

મુંબઈઃ ભારતીય ટીમના બેટ્સમેન પૃથ્વી શો સ્થાનિક ટીમ મુંબઈ છોડવા માંગે છે અને આ માટે તેણે મુંબઈ ક્રિકેટ એસોસિએશન પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ માંગ્યું છે. પૃથ્વીએ મંજૂરી માંગી છે જેથી તે ક્રિકેટર તરીકે પ્રગતિ અને વિકાસ માટે નવી સ્થાનિક ટીમ સાથે કરાર કરી શકે. પૃથ્વી છેલ્લા કેટલાક સમયથી રેડ બોલ ટીમમાંથી બહાર છે, પરંતુ તે વન ડે અને ટી20 ક્રિકેટ રમી રહ્યો છે. જોકે, મેદાન પર તેના પ્રદર્શન કરતાં મેદાનની બહારના તેના શિસ્તના મુદ્દાઓ વધુ ચર્ચામાં રહ્યા છે.

મુંબઈ ક્રિકેટ એસોસિએશનના એક વરિષ્ઠ અધિકારીએ મીડિયાને આ વાતની પુષ્ટી કરી અને કહ્યું હતું કે મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પૃથ્વીનો પત્ર મળ્યો છે જેમાં તેણે એનઓસી માંગ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશનના સૂત્રએ કહ્યું હતું કે, ‘હા, અમને પૃથ્વીનો પત્ર મળ્યો છે જે મંજૂરી માટે સર્વોચ્ચ પરિષદને મોકલવામાં આવ્યો છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’

મુંબઈ ક્રિકેટ એસોસિએશનને મોકલેલા પત્રમાં 25 વર્ષીય ખેલાડીએ કહ્યું હતું કે તે મુંબઈ ટીમમાં વિતાવેલા સમય માટે આભારી છે પરંતુ હવે તે આગળ વધવા માંગે છે. તેણે 2017માં મુંબઈ માટે ડેબ્યૂ કર્યું હતું.

પૃથ્વીએ કહ્યું હતું હું આ તકનો લાભ લઈને મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો આભાર માનું છું કે તેણે મને એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતી વખતે મૂલ્યવાન તકો અને અવિશ્વસનીય સમર્થન આપ્યું. મુંબઈ ક્રિકેટ એસોસિએશનનો ભાગ બનવું એ એક મહાન સન્માન છે અને હું અહીં મેળવેલા અનુભવ માટે ખૂબ જ આભારી છું.

મારી કારકિર્દીના આ તબક્કે મને બીજા રાજ્ય સંગઠન હેઠળ વ્યાવસાયિક ક્રિકેટ રમવાની એક સારી તક મળી છે જે મને લાગે છે કે ક્રિકેટર તરીકે મારા વિકાસ અને પ્રગતિમાં વધુ ફાળો આપશે. આને ધ્યાનમાં રાખીને હું તમને નમ્ર વિનંતી કરું છું કે મને એનઓસી જાહેર કરો જે મને આગામી સ્થાનિક સીઝનમાં નવા રાજ્ય સંગઠનનું સત્તાવાર રીતે પ્રતિનિધિત્વ કરવા સક્ષમ બનાવશે.

પૃથ્વીએ કહ્યું હતું કે તેણે આ નિર્ણય કાળજીપૂર્વક વિચારણા અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન પ્રત્યે અત્યંત આદર સાથે લીધો છે. ભારત માટે પાંચ ટેસ્ટ અને છ વનડે રમનાર પૃથ્વીને ગયા વર્ષે નબળી ફિટનેસ અને શિસ્તના અભાવને કારણે મુંબઈ રણજી ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો -‏‏‎ કૅચ છોડનાર યશસ્વી, જાડેજાને સચિનની ટકોર, ‘ બુમરાહને નવ વિકેટ ન મળી શકી

રણજી ટ્રોફીની બાકીની સીઝન ગુમાવ્યા બાદ પૃથ્વીએ છેલ્લે મુંબઈ માટે મધ્ય પ્રદેશ સામે પ્રીમિયર ડોમેસ્ટિક ટુર્નામેન્ટ સૈયદ મુશ્તાક અલી ટી20 ટ્રોફીની ફાઇનલમાં રમ્યો હતો, જેમાં તેની ટીમે પાંચ વિકેટથી જીત મેળવી હતી.

Kshitij Nayak

વરિષ્ઠ પત્રકાર બિઝનેસ, રાજકીય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વિવિધ પૂર્તિ તેમ જ સિટી ડેસ્કના ઈન્ચાર્જ સહિતની જવાબદારીઓ બજાવી ચૂક્યા છે. પત્રકારત્વ ક્ષેત્રે 20 વર્ષનો અનુભવ ધરાવે છે. દરેક વિષયો પર સારી એવી પકડ ધરાવે છે. More »

સંબંધિત લેખો

Back to top button