ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS AUS: અંડર 19 વર્લ્ડ કપમાં આવતીકાલે ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવાની તક

26 વર્ષથી જુનિયર વિશ્વકપમાં ભારતને ઑસ્ટ્રેલિયા હરાવી નથી શક્યું.

બેનોની: વન-ડેનો વર્લ્ડ કપ હોય, ફાઇનલનો અવસર હોય અને રવિવારનો દિવસ હોય તો કયા ક્રિકેટપ્રેમીને એ માણવાનો ઇન્તેજાર ન હોય. 19મી નવેમ્બર, 2023ના દિવસે અમદાવાદમાં એવી જ સ્થિતિ હતી અને એમાં કરોડો ક્રિકેટપ્રેમીઓને રોહિત શર્મા અને તેની ટીમ પર વિજય મેળવવા બાબતમાં પૂરો ભરોસો હતો, પરંતુ આખી ટૂર્નામેન્ટમાં અપરાજિત રહેલી ભારતીય ટીમ છેવટે પૅટ કમિન્સની ટીમ સામે પાણીમાં બેસી ગઈ હતી અને એ પરાજયને પગલે રનર-અપની ટ્રોફી સાથે સંતોષ માની લેવો પડ્યો હતો. એ હારને કારણે કરોડો ભારતીયોના દિલ તૂટ્યા હતા.

11 ફેબ્રુઆરીએ આવતીકાલે ફરી એકવાર વર્લ્ડ કપની ફાઇનલ આવી ગઈ છે, ભારત ફાઇનલમાં છે અને દિવસ પણ રવિવાર (બપોરે 1.30 વાગ્યાથી) છે. ફરક માત્ર એટલો છે કે આ જુનિયર વિશ્ર્વકપ છે અને એના મુકાબલાનું પરિણામ બાકી છે અને એ જીતવા માટે ભારતીય ટીમ ફેવરિટ છે.

ઇતિહાસ પણ ભારતની તરફેણમાં છે, કારણકે અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતને ઑસ્ટ્રેલિયાએ હરાવ્યું હોય એવું છેલ્લે 1998માં (26 વર્ષ પહેલાં) બન્યું હતું. ત્યાર પછીના તેમની સામેના તમામ છ મુકાબલા ભારતે જીતી લીધા છે. એ છ જીતમાં 2012 તથા 2018ની ફાઇનલનો પણ સમાવેશ છે. એ જોતાં, આજે ભારતને ઑસ્ટ્રેલિયા સામે હૅટ-ટ્રિક ફાઇનલ વિજય મેળવવાનો સુવર્ણ મોકો છે.

સાઉથ આફ્રિકામાં અન્ડર-19 વન-ડે વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે જેમાં ઉદય સહારનના સુકાનમાં રમી રહેલી ભારતીય ટીમ અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી છે. સામે છેડે ઑસ્ટ્રેલિયાની ટીમ છે અને એને હરાવીને સહારનની ટીમે નવેમ્બરની સિનિયર ખેલાડીઓની હારનો બદલો લેવાનો છે. નવેમ્બરની વિશ્ર્વકપની ફાઇનલની હારને પગલે રોહિતની ટીમના જસપ્રીત બુમરાહ તથા મોહમ્મદ શમી સહિત કેટલાક ખેલાડીઓ રડી પડ્યા હતા તો બાકીના પ્લેયરો હતાશ હતા. જોકે હવે ઉદય સહારનની ટીમે ઑસ્ટ્રેલિયાની સમોવડી (અન્ડર-19) ટીમને ફાઇનલમાં હરાવીને ઑસ્ટ્રેલિયન ખેલાડીઓને રોવડાવવાના છે.

ખુદ ઉદય સહારન ઉપરાંત ખાસ કરીને સચિન ધાસ, મુશીર ખાન તેમ જ બે ગુજરાતી ખેલાડીઓ રાજ લિંબાણી તથા પ્રિયાંશુ મોલિયા તેમ જ મહારાષ્ટ્રના આર્શિન કુલકર્ણી ભારતને વિજય અપાવવા માટેના સંભવિત ફાઇનલ-વિનર ગણાય છે. જોકે ઇલેવનનો બીજો કોઈ ખેલાડી પણ ભારતને ફાઇનલમાં વિજય અપાવી શકે. આદર્શ સિંહ, વિકેટકીપર અરાવેલી અવિનાશ, મુરુગન અભિષેક, નમન તિવારી તથા સૌમ્ય પાન્ડે બીજા મહત્ત્વના ખેલાડીઓ છે.

હ્યુ વિબ્ગેન ઑસ્ટ્રેલિયાનો કૅપ્ટન છે અને તેની ટીમમાં ભારતીય મૂળનો હરજસ સિંહ પણ સામેલ છે. આઠમી ફેબ્રુઆરીએ સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને છેલ્લી ઓવરના થ્રિલરમાં એક વિકેટના માર્જિનથી હરાવી દીધું હતું. એ પહેલાં, ભારતે સાઉથ આફ્રિકાને સાત બૉલ બાકી રાખીને બે વિકેટના માર્જિનથી પરાજિત કર્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button