સ્પોર્ટસ

રાજકોટમાં ભારતીય ટીમ બેન સ્ટૉક્સની 100મી ટેસ્ટ બગાડશે?

રાજકોટ: ગુરુવાર, 15મી ફેબ્રુઆરીએ બેન સ્ટૉક્સ રાજકોટના મેદાન પર ઊતરશે ત્યારે ઇંગ્લૅન્ડ વતી ટેસ્ટ-મૅચોની સેન્ચુરી નોંધાવનારા ખેલાડીઓની હરોળમાં આવી જશે. તે 99 ટેસ્ટ રમ્યો છે અને રાજકોટમાં ભારત સામેની પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટેસ્ટ (બપોરે 1.30 વાગ્યાથી લાઇવ) રમીને 100મી ટેસ્ટની સિદ્ધિ મેળવશે. જોકે ભારતીય ટીમ તેની ટીમને એ મૅચમાં પરાજિત કરીને અથવા વિજયથી વંચિત રાખીને તેનું સેલિબ્રેશન બગાડી શકશે.

બેન સ્ટૉક્સ 100મી ટેસ્ટ રમનાર ઇંગ્લૅન્ડનો 16મો અને વર્તમાન બ્રિટિશ ટીમનો ત્રીજો ખેલાડી બનશે. જો રૂટના નામે 137 ટેસ્ટ અને જેમ્સ ઍન્ડરસનના નામે 185 ટેસ્ટ છે.

બેન સ્ટૉક્સે 2013માં ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. જોકે ઇંગ્લૅન્ડની ટીમ માટે એ પ્રવાસ ભૂલી જવા જેવો હતો. બેન સ્ટૉક્સ નિવૃત્તિની તૈયારીમાં જ છે અને 100મી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડને હરાવીને ભારતીય ટીમ ભારત ખાતેનો તેનો આ છેલ્લો ટેસ્ટ-પ્રવાસ પણ બગાડશે તો નવાઈ નહીં લાગે.

બેન સ્ટૉક્સે 179 ટેસ્ટ ઇનિંગ્સમાં 13 સેન્ચુરી અને 31 હાફ સેન્ચુરીની મદદથી 6251 રન બનાવ્યા છે તેમ જ 197 વિકેટ લીધી છે. બૅટિંગમાં તેની 36.34ની અને બોલિંગમાં 32.07ની સરેરાશ છે. તેણે 105 કૅચ પકડ્યા છે.

ટેસ્ટમાં બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગની બાબતમાં બેન સ્ટૉક્સથી માત્ર જૅક કૅલિસ અને સર ગૅરી સોબર્સના જ આંકડા ચડિયાતા છે.

ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ 128 સિક્સર બેન સ્ટૉકસના નામે છે અને બીજા નંબરે તેનો વર્તમાન હેડ-કોચ બ્રેન્ડન મૅક્લમ (107 સિક્સર) છે. ઍડમ ગિલક્રિસ્ટ 100 છગ્ગા સાથે ત્રીજા ક્રમે છે.

32 વર્ષનો બેન સ્ટૉક્સ જો 100મી ટેસ્ટમાં સદી ફટકારશે તો ટેસ્ટની સેન્ચુરીમાં સદી ફટકારનારો વિશ્ર્વનો 11મો ખેલાડી બનશે. અગાઉ આ સિદ્ધિ મેળવનારા 10 પ્લેયરમાં કૉલિન કાઉડ્રી, રિકી પૉન્ટિંગ, જાવેદ મિયાંદાદ, ગોર્ડન ગ્રિનીજ, ઍલેક સ્ટુઅર્ટ, ઇન્ઝમામ-ઉલ-હક, ગ્રેમ સ્મિથ, હાશિમ અમલા, જો રૂટ અને ડેવિડ વૉર્નરનો સમાવેશ છે.

ભારત અને ઇંગ્લૅન્ડ વર્તમાન સિરીઝમાં 1-1ની બરાબરીમાં છે.

રાજકોટમાં ખંઢેરીના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેદાન પર ભારત બે ટેસ્ટ રમ્યું છે જેમાંથી એક જીત્યું છે અને એક ટેસ્ટ ડ્રૉમાં પરિણમી છે. ઑક્ટોબરમાં ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી, જ્યારે 2018માં ભારતે કૅરિબિયનોને એક ઇનિંગ્સ અને 272 રનથી હરાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button