બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમશે? પિક્ચર ક્લીયર થઈ જ ગયું છે
રાજકોટ: ગુરુવાર, 15મી ફેબ્રુઆરીથી ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચવાળી સિરીઝની ત્રીજી ટેસ્ટમાં ભારતીય બૅટર્સની આતશબાજી અને ભારતીય બોલર્સના હાથે એક પછી એક ઝટકા જોવા મળે એવી આશા રાજકોટવાસીઓએ અચૂક રાખી હશે એટલે કોણ જાણે જાણતા-અજાણતા એવો તખ્તો તૈયાર થઈ જ રહ્યો છે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ તો ફૉર્મમાં છે જ, રોહિત શર્મા તેમ જ બીજા બૅટર્સ પણ ફટકાબાજી કરશે એવી આશા છે. બોલર્સની વાત કરીએ તો બૂમ…બૂમ…બુમરાહ અત્યારે સૌથી વધુ ચર્ચામાં છે.
બીજી ટેસ્ટનો સુપરહીરો બુમરાહ રાજકોટની ત્રીજી ટેસ્ટમાં કદાચ નહીં રમે એવી શંકા હતી કારણકે તેને આરામ આપવામાં આવશે એવી વાતો ચર્ચાતી હતી. જોકે પ્લેઇંગ-ઇલેવન લગભગ નક્કી થઈ ગઈ છે અને બુમરાહને લગતું પિક્ચર ક્લીયર થઈ ગયું એવું ગુરુવારે સાંજે જાણવા મળ્યું હતું.
વાત એવી છે કે વિશાખાપટ્ટનમમાં સ્પિનરોને વધુ મદદ કરનારી પિચ પર બુમરાહ નવ વિકેટ લઈને ટેસ્ટમાં છ વર્ષે મૅચ-વિનર બન્યો એટલે સિલેક્ટરો અને ટીમ મૅનેજમેન્ટ પ્રભાવિત થઈ ગયા છે અને એવું નક્કી થયું છે કે બુમરાહ ત્રીજી ટેસ્ટમાં રમશે જ અને બનશે તો તેને રાંચીની ચોથી ટેસ્ટમાંથી તેને કદાચ આરામ આપવામાં આવશે.
બુમરાહનો ગોલ્ડન પિરિયડ શરૂ થઈ ગયો છે. ટેસ્ટના રૅન્કિંગમાં નંબર-વન બનેલો ભારતનો પ્રથમ પેસ બોલર તો બન્યો જ છે, એશિયાનો તે પહેલો બોલર છે જે ત્રણેય ફૉર્મેટમાં અવ્વલ સ્થાને બિરાજમાન થઈ ચૂક્યો છે.