શરૂઆતની મૅચોમાં રાહુલને બદલે વિકેટકીપર કોણ? બે નામ વિચારાઈ રહ્યા છે
નવી દિલ્હી: ઈજામુક્ત થઈને ફરી 100 ટકા ફિટનેસ હાંસલ કરી રહેલા લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કૅપ્ટન કેએલ રાહુલને બાવીસમી માર્ચે શરૂ થનારી આઇપીએલમાં શરૂઆતની મૅચોથી જ રમવા માટે બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ) તરફથી મંજૂરી તો મળી ગઈ છે, પણ તેને સલાહ આપવામાં આવી છે કે તેણે પહેલી થોડી મૅચોમાં વિકેટકીપિંગ ન કરવી જોઈએ.
રાહુલ તાજેતરમાં ઇંગ્લૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં રમ્યો હતો, પણ સાથળની ઈજાને લીધે પછીની મૅચોમાં નહોતો રમી શક્યો.
રાહુલે એનસીએમાં છેલ્લા થોડા દિવસ દરમ્યાન જે પ્રૅક્ટિસ કરી એનો વીડિયો મીડિયામાં પોસ્ટ કર્યો છે. એમાં બૅટિંગ કરી રહેલો તેમ જ વિકેટકીપિંગ અને આઉટફીલ્ડમાં બૉલ રોકી રહેલો બતાવાયો છે.
એનસીએના સત્તાધીશોએ રાહુલને સલાહ આપી છે કે તે ગુરુવાર, 20મી માર્ચથી લખનઊમાં સાથીઓ સાથે પ્રૅક્ટિસ શરૂ કરી શકશે.
લખનઉની પ્રથમ મૅચ 24મી માર્ચે જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામે રમાશે.
રાહુલ શરૂઆતમાં વિકેટકીપિંગ નહીં કરી શકે એવી સંભાવના જણાતાં લખનઊના ફ્રૅન્ચાઇઝીને થોડી ચિંતા થઈ રહી છે, પરંતુ 2022ની અને 2023ની પહેલી બન્ને સીઝનમાં પ્લે-ઑફમાં પહોંચનાર આ ટીમ પાસે વિકેટની પાછળ ઊભા રહી શકે એવા બે કાબેલ વિકેટકીપર છે. એમાંનો એક છે વાઇસ-કૅપ્ટન નિકોલસ પૂરન અને બીજો ક્વિન્ટન ડિકૉક.
જોકે રાહુલ માટે વિકેટકીપિંગ બહુ મહત્ત્વનો મુદ્દો છે, કારણકે જો તેણે આઇપીએલમાં સારી વિકેટકીપિંગ કરી હશે તો જૂનના ટી-20 વર્લ્ડ કપમાં તેને વિકેટકીપર-બૅટર તરીકે સ્થાન પાક્કું કરવાનો મોકો મળશે. રિષભ પંત હવે ફિટ થઈ રહ્યો છે એટલે વર્લ્ડ કપ માટે તે ઉપરાંત ઇશાન કિશન અને સંજુ સૅમસન, ધ્રુવ જુરેલ, વગેરે વિકલ્પો પણ સિલેક્ટરો પાસે રહેશે એટલે રાહુલને માત્ર બૅટર તરીકે વિશ્ર્વ કપની ટીમમાં સ્થાન મેળવવું ભારે પડશે, કારણકે તેના કરતાં રિન્કુ સિંહ બહુ સારો વિકલ્પ છે.