‘જુઓ, રિઝવાન 100 રન માટે સેન્ચુરી ચૂકી ગયો!’: ઇંગ્લૅન્ડના અમ્પાયરે પાકિસ્તાની કેપ્ટનની જબરી મજાક ઉડાવી…

ટૅરોબા (ટ્રિનીદાદ): પાકિસ્તાનનો ડ્રામેબાજ કેપ્ટન મોહમ્મદ રિઝવાન (Rizwan) પિચ પર બનાવટી ઍક્ટિંગ કરવા માટે જગમશહુર છે અને એનો પુરાવો મંગળવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની મૅચમાં તેણે પોતાના પહેલા જ બૉલમાં (ગોલ્ડન ડકમાં) વિકેટ ગુમાવી ત્યારે જોવા મળ્યો હતો.
ઇંગ્લેન્ડના અમ્પાયર રિચર્ડ કેટલબરૉ (Kettleborogh)એ તો સોશ્યલ મીડિયામાં તેની મજાક (joke) પણ ઉડાવી છે.
બન્યું એવું કે સિરીઝની છેલ્લી વન-ડેમાં વેસ્ટ ઈન્ડિઝ (West Indies) 202 રનના માર્જિનથી જીત્યું અને પાકિસ્તાને રનના તફાવતની દ્રષ્ટિએ પોતાના વન-ડે ઇતિહાસનો સૌથી ખરાબ પરાજય જોવો પડ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝના 6/294ના સ્કોર સામે પાકિસ્તાનની ટીમ માત્ર 92 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
પાંચ પાકિસ્તાની બૅટ્સમેનના ઝીરોમાં આઉટ થયા હતા અને રિઝવાન (0) એમાંનો એક હતો. વેસ્ટ ઈન્ડિઝ વતી 18 રનમાં છ લેનાર ફાસ્ટ બોલર જેડન સીલ્ઝનો સામનો કરવા રિઝવાન હજી તો ક્રીઝમાં માંડ સેટલ થયો હતો ત્યાં તે પોતાના પહેલા જ બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો.
સીલ્ઝના ઇનકમિંગ બૉલમાં રિઝવાનના ઑફ સ્ટમ્પની બેલ ઉડી ગઈ હતી. રિઝવાન સ્તબધ હતો અને જાણે પોતે લાંબી ઈનિંગ્સ પછી વિકેટ ગુમાવી બેઠો હોય એ રીતે ક્રીઝમાં ઊભો રહીને જોઈ રહ્યો હતો.
અમ્પાયર કેટલબરૉએ ’ એક્સ’ પર પોતાના હૅન્ડલ પર રિઝવાનની વિકેટના વીડિયો સાથેની નાની સ્ટોરીમાં લખ્યું છે કે ‘ રિઝવાન 100 રન માટે સેન્ચુરી ચૂકી ગયો. તેની પ્રતિક્રિયા તો જુઓ… જાણે પોતે 99 રન પર આઉટ થઈ ગયો હોય એવી રીતે જોઈ રહ્યો છે… આ વિશે તમારું શું કહેવું છે?’
વેસ્ટ ઇન્ડીઝે આ સાથે વન-ડે સિરીઝ 2-1થી જીતી લીધી હતી. અણનમ 120 રનના સ્કોર સાથે 18મી વન-ડે સેન્ચુરી કરનાર શાઈ હોપને મૅન ઑફ ધ મૅચનો અને જેડન સીલ્ઝને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.