પાકિસ્તાન કેમ વર્લ્ડ કપની ટીમ હમણાં જાહેર નહીં કરે?

કરાચી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં ટી-20નો જે વર્લ્ડ કપ રમાવાનો છે એ માટે પહેલી મે સુધીમાં તમામ દેશોને આઇસીસીએ પોતપોતાના 15 ખેલાડીઓની ટીમ જાહેર કરી દેવા કહ્યું હતું, પરંતુ પાકિસ્તાને હજી ટીમ નક્કી જ નથી કરી અને કદાચ બે-ત્રણ અઠવાડિયા બાદ જાહેર કરશે.
પાકિસ્તાને ટીમ જાહેર કરવાનું ટાળ્યું છે એનું કારણ ખેલાડીઓના ફિટનેસ પ્રૉબ્લેમ્સ છે. યાદ રહે, રવિવાર, નવમી જૂને ન્યૂ યૉર્કમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની નજીકના એક સૂત્રએ કહ્યું છે કે પાકિસ્તાન પોતાની ટીમ 23મી કે 24મી મેએ જાહેર કરશે. આ એ તારીખો છે જ્યાં સુધીમાં દરેક દેશ પોતાની ટીમમાં ફેરફાર કરી શકશે. એ રીતે પાકિસ્તાન એ દિવસે પોતાની ફાઇનલ ટીમ જાહેર કરશે.
ખાસ કરીને મોહમ્મદ રિઝવાન, આઝમ ખાન, ઇરફાન નિયાઝી અને હૅરિસ રઉફને થોડી ઈજા છે અને તેઓ વર્લ્ડ કપ માટે ફિટ થઈ શકશે કે કેમ એ આયરલૅન્ડ અને ઇંગ્લૅન્ડ સામેની આગામી ટી-20 સિરીઝમાં તેમને રમાડીને નક્કી કરવામાં આવશે.
પાકિસ્તાનના સિલેક્ટર્સ આ બે દેશ સામેની સિરીઝ માટેની ટીમ ગુરુવારે જાહેર કરશે.
ભારત તેમ જ ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ન્યૂ ઝીલૅન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાને વર્લ્ડ કપ માટેની પોતાની ટીમ જાહેર કરી દીધી છે.