કુલદીપને કેમ નથી રમાડતા? બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે બતાવ્યું ખરું કારણ… | મુંબઈ સમાચાર

કુલદીપને કેમ નથી રમાડતા? બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે બતાવ્યું ખરું કારણ…

લંડનઃ લેફ્ટ-આર્મ ચાઇનામૅન બોલર કુલદીપ યાદવને ઇંગ્લૅન્ડ (England) સામે રમાડવાની માગણી અને ભલામણ ટેસ્ટ સિરીઝની શરૂઆત પહેલાંથી જ થતી હતી, પણ સ્થિતિ એ છે કે ચાર-ચાર ટેસ્ટ રમાઈ ગઈ અને ભારતીય ટીમ શ્રેણીમાં 1-2થી પાછળ રહી ગઈ છે એમ છતાં સિરીઝમાં કુલદીપનું ક્યાંય નામોનિશાન નથી. હવે તેને ગુરુવાર, 31મી જુલાઈએ શરૂ થતી છેલ્લી ટેસ્ટમાં રમાડવામાં આવશે કે કેમ એની ચર્ચા થઈ રહી છે, પરંતુ તેને પહેલી ચાર ટેસ્ટમાં કેમ ન લેવામાં આવ્યો એ વિશેની સમજ ટીમ ઇન્ડિયાના ગુજરાતી બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે (Sitanshu Kotak) આપી છે.

ભારતે (India) છેક સુધી સિરીઝને જીવંત તો રાખી છે, પણ 2-1થી આગળ રહેનાર ઇંગ્લૅન્ડને હવે છેલ્લી ટેસ્ટ (Test)માં હરાવીને શ્રેણીને 2-2ની બરાબરીમાં લાવવા માટે ખાસ કરીને બોલર્સની આકરી કસોટી થશે. પેસ બોલર્સને ઈજાની સમસ્યાઓ નડી રહી હોવાથી સ્પિન વિભાગ પર સૌનું ધ્યાન છે. અંતિમ ટેસ્ટ માટેની ઓવલની પિચ બૅટિંગ માટે સપાટ નહીં હોય એવું માનીને ચાલીએ તો સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વની રહેશે. ચોથી ટેસ્ટમાં અણનમ સેન્ચુરી ફટકારીને ભારતને પરાજયથી બચાવનાર રવીન્દ્ર જાડેજા અને વૉશિંગ્ટન સુંદર આ સિરીઝમાં બોલિંગ કરતાં બૅટિંગમાં વધુ ઉપયોગી સાબિત થયા છે ત્યારે ત્રીજા સ્પિનર તરીકે કુલદીપ યાદવને પ્લેઇંગ-ઇલેવનમાં સમાવાશે કે નહીં એ મોટો સવાલ છે.

સ્પિનર કુલદીપને કેમ ચાર ટેસ્ટમાં ન રમાડવામાં આવ્યો એ વિશે બૅટિંગ-કોચ સિતાંશુ કોટકે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, ભારતીય ટીમ મૅનેજમેન્ટે હંમેશાં બૅટિંગ અને બોલિંગમાં સમતુલા જાળવવાની કોશિશ કરી છે. હંમેશાં એવી ટીમ પસંદ કરી છે જેમાં ખેલાડીઓ 550-600 રન કરી શકે અને 20 વિકેટ પણ લઈ શકે. આ નીતિ રાખી હોવાથી બોલિંગ પર વધુ ફૉકસ નથી રાખવામાં આવ્યું. ટીમ ઇન્ડિયાએ પાંચને બદલે છ બોલરને ઇલેવનમાં રાખવાની નીતિ રાખી છે. છઠ્ઠો બોલર જો ઑલરાઉન્ડર હોય તો તે ઓછી બોલિંગ કરીને પણ બૅટિંગમાં પણ ટીમને યોગદાન આપી શકે.' સિતાંશુ કોટકે એવું પણ કહ્યું હતું કે એજબૅસ્ટનની બીજી ટેસ્ટમાં 550-600 રન બનાવવા ઉપરાંત 20 વિકેટ લેવાની સમતુલાને લીધે જ ભારતીય ટીમ એ ટેસ્ટ જીતી શક્યું હતું. બોલિંગ પર જો અમે વધુ ધ્યાન આપીએ અને બૅટિંગ પર ઓછું લક્ષ રાખીએ તો એનો આધાર પિચ અને બીજી સ્થિતિ પર નિર્ભર રહે છે. જો કૅપ્ટન, કોચ અને ટીમ મૅનેજમેન્ટ ઇચ્છે કે ઇલેવનમાં વધુ એક બોલરનો સમાવેશ કરવાથી ફાયદો થશે તો તેઓ સમાવેશ કરશે જ.’

આપણ વાંચો :જાડેજાને ચોથી ટેસ્ટની સેન્ચુરીથી થયો આ મોટો ફાયદો, અભિષેકની પણ બોલબાલા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button