ભારતની વર્લ્ડ કપ ટીમ કેમ હજી ફાઇનલ નથી?: એમાં ફેરફાર કરી શકાશે, જાણો શા માટે…

મુંબઈઃ આગામી ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા મેન્સ ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે ભારતે 49 દિવસ પહેલાંથી ટીમ (Indian Cricket Team) જાહેર તો કરી દીધી, પણ એ હજી ફાઇનલ ટીમ ન કહી શકાય અને એમાં ફેરફાર કરી શકાશે. હા, વર્લ્ડ કપના દેશોને આવી છૂટ મળે છે. ભૂતકાળમાં બની ગયું છે એમ કોઈ ખેલાડીને ઈજા ન થાય તો પણ તેના સ્થાને બીજા કોઈ પ્લેયરને સિલેક્ટ કરી શકાશે અને એ પણ મુખ્ય આયોજક આઇસીસીની પરવાનગી વગર.
નવાઈ લાગે એવી આ વાત છે, પણ સ્પષ્ટતા કરી દેવાની કે આઇસીસીના નિયમ મુજબ આ ટીમ નક્કી કરીને આપી દેવાની હતી. જોકે જાહેર કરાયેલી આ ટીમમાં ફેરફાર કરી શકાશે. સૂર્યકુમાર યાદવ બૅટિંગમાં અસલ ફૉર્મ ગુમાવી ચૂક્યો છે, પણ હવે વર્લ્ડ કપમાં તેની આકરી કસોટી થશે. એ પહેલાં આ જ ટીમ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે રમશે એટલે એમાં પણ ટીમના તમામ ખેલાડીઓનું વિશ્વ કપ માટેનું રિહર્સલ જોવા મળશે.
અક્ષર પટેલ આ ટીમનો વાઇસ-કૅપ્ટન છે અને ઇશાન કિશન તથા રિન્કુ સિંહને કમબૅક કરવાનો મોકો અપાયો છે. સિલેક્શન કમિટી 15 ખેલાડીઓની આ ટીમમાં ફેરફાર કરી શકશે. ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે અને એ પહેલાં 21-31 જાન્યુઆરી દરમ્યાન ભારતીયો ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે પાંચ મૅચની ટી-20 શ્રેણી રમશે.
વર્લ્ડ કપ સાતમી ફેબ્રુઆરીએ શરૂ થશે. સામાન્ય રીતે દરેક દેશે મોડામાં મોડું વર્લ્ડ કપના એક મહિના પહેલાં પ્રાથમિક ટીમ નક્કી કરીને આઇસીસી (ICC)ને આપી દેવી પડે. જોકે હજી તો 45થી પણ વધુ દિવસ બાકી છે એટલે ભારતીય ટીમની જાહેરાત ઘણી વહેલી થઈ ચૂકી છે. બની શકે કે જાન્યુઆરીમાં ન્યૂ ઝીલૅન્ડ સામે પાંચ ટી-20 રમાવાની હોવાથી સિલેક્ટરોએ અત્યારથી 15 ખેલાડીના નામ નક્કી કરી લીધા હશે. ટીમ જાહેર કરી દેવા માટેની પ્રથમ ડેડલાઇન સાતમી જાન્યુઆરી છે અને ત્યાર બાદ દરેક દેશે આઇસીસીને બીજી ડેડલાઇન પહેલાં એટલે કે વર્લ્ડ કપના અઠવાડિયા પહેલાં (31મી જાન્યુઆરી કે પહેલી ફેબ્રુઆરી સુધીમાં) અંતિમ 15 ખેલાડીની ટીમ આપી દેવી પડશે.

એ રીતે જોઈએ તો 31મી જાન્યુઆરી સુધીમાં ન્યૂ ઝીલૅન્ડ સામે જે સિરીઝ રમાવાની છે એમાં દરેકના પર્ફોર્મન્સને ધ્યાનમાં લઈને સિલેક્ટરો વર્લ્ડ કપ માટેની ટીમમાં ફેરફાર કરી શકશે.
દરેક દેશ વર્લ્ડ કપ માટેની પ્રાથમિક ટીમ જાહેર જનતા સમક્ષ મૂકવાને બદલે સીધી આઇસીસીને પહોંચાડી શકે છે, પરંતુ ભારત એવું ક્યારેય નથી કરતું. શનિવારે ટીમની જાહેરાત કરી જ દેવાઈ હતી.
ભારતે કોઈ ખેલાડીને ઈજા ન હોવા છતાં તેના સ્થાને ટીમમાં અન્ય કોઈ ખેલાડીને સમાવ્યો હોય એવું ભૂતકાળમાં બની ગયું છે. આ વર્ષની શરૂઆતમાં ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની મૂળ ટીમમાં યશસ્વી જયસ્વાલ હતો અને પછીથી તેના સ્થાને વરુણ ચક્રવર્તીને સમાવવામાં આવ્યો હતો. ભારતે રોહિત શર્માના નેતૃત્વમાં એ ટૂર્નામેન્ટ જીતી લીધી હતી. 2021ના ટી-20 વર્લ્ડ કપ વખતે શાર્દુલ ઠાકુરને અક્ષર પટેલના સ્થાને ટીમમાં સામેલ કરાયો હતો.
ખાસ ઉલ્લેખનીય છે કે 31મી જાન્યુઆરી કે પહેલી ફેબ્રુઆરીની બીજી અને અંતિમ ડેડલાઇન પછી જો કોઈ દેશ પોતાની ટીમમાં ફેરફાર કરવા માગશે તો એણે આઇસીસીને કારણ બતાવવું જ પડશે. સામાન્ય રીતે ઈજાગ્રસ્ત ખેલાડીના સ્થાને અન્ય કોઈને 15ની સ્ક્વૉડમાં સમાવવાની છૂટ અપાતી હોય છે, પણ એ આઇસીસીની મંજૂરીથી જ થઈ શકે.



