હર્ષિત-ક્રિષ્ના કરતાં આંકડા ચડિયાતા છતાં અર્શદીપ કેમ પ્લેઇંગ-ઇલેવનની બહાર? કોચ ગંભીર પર પક્ષપાતનો આરોપ

વડોદરાઃ અહીં ન્યૂ ઝીલૅન્ડ સામે સિરીઝની પ્રથમ વન-ડેમાં બે પેસ બોલર હર્ષિત રાણા (Harshit Rana) અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ વિકેટ લીધી, પરંતુ લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને આ મૅચની પ્લેઇંગ-ઇલેવનમાં નથી સમાવવામાં આવ્યો એ મુદ્દે સોશ્યલ મીડિયામાં ઊહાપોહ થયો છે જેમાં હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) સામે પક્ષપાતનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અર્શદીપ (Arshdeep)ના ભોગે હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ ક્રિષ્નાને આ મૅચમાં રમાડવામાં આવ્યો એવી મીડિયામાં અર્શદીપના ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે. શુભમન ગિલે જેવો ટૉસ જીત્યો કે તરત જ અર્શદીપનું પ્લેઇંગ-ઇલેવનમાં નામ ન જોવા મળતાં અર્શદીપના ફૅન્સે ગૌતમ ગંભીરને કસૂરવાર ગણવાની શરૂઆત કરી દીધી હતી.
અર્શદીપના ચાહકોની દલીલ એ હતી કે ન્યૂ ઝીલૅન્ડની પહેલાં સાઉથ આફ્રિકા સામેની વન-ડે શ્રેણીમાં અર્શદીપે બહુ સારું પર્ફોર્મ કર્યું હતું, એ શ્રેણીમાં તે સૌથી સારા (5.50) ઇકોનોમિકલ અને ભરોસાપાત્ર પેસ બોલર સાબિત થયો હતો અને શ્રેણીમાં પાંચ વિકેટ લીધી હતી. બીજી બાજુ, હર્ષિત રાણાએ ચાર સિરીઝમાં ચાર વિકેટ લીધી હતી અને તેનો ઇકોનોમી-રેટ 6.39 હતો. બીજી તરફ, પ્રસિદ્ધ ક્રિષ્નાએ એ શ્રેણીમાં સાત વિકેટ લીધી હતી, પરંતુ તેનો ઇકોનોમી-રેટ 7.80 હતો.
તાજેતરમાં ડોમેસ્ટિક મૅચોમાં પણ અર્શદીપે ચડિયાતું પર્ફોર્મ કર્યું હતું. વિજય હઝારે ટ્રોફીમાં તેણે સિક્કિમ સામેની મૅચમાં પાંચ વિકેટ લીધી હતી અને તે બહુ સારા ફૉર્મમાં હોવા છતાં તેને ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ વન-ડેમાં ન રમાડવામાં આવ્યો એ બદલ ગંભીરની ટીકા થઈ રહી છે.



