સ્પોર્ટસ

‘કુછ તો લોગ કહેંગે…’ યુવરાજ સિંહે આવું કેમ અને કોના વિશે કહ્યું?

નવી દિલ્હી: સામાન્ય રીતે ક્રિકેટરોને લોકો જે કહે અથવા મીડિયામાં તેમના વિશે જે ચર્ચા હોય એના કરતાં તેમના સાથી ખેલાડીઓ કે ભૂતપૂર્વ પ્લેયરો જે કંઈ કહે એ વધુ પસંદ હોય છે. જુઓને, રોહિત શર્મા અને વિરાટ કોહલી 14 મહિને પાછા ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં રમવા આવ્યા છે એટલે હવે એવી ચર્ચા થઈ રહી છે કે તેઓ જૂન મહિનાના ટી-20 વર્લ્ડ કપ સુધી ટી-20 ઇન્ટરનૅશનલની કરીઅર ચાલુ રાખશે કે કેમ? વિશ્વ કપમાં રમશે કે નહીં?

જોકે, યુવરાજ સિંહને રોહિત-કોહલી વિશેની આ બુમરાણ જરાય પસંદ નથી. શનિવારે દિલ્હીની પત્રકાર પરિષદમાં એક પત્રકારે યુવીને રોહિત-કોહલીના ટી-20 ભાવિ વિશે પૂછ્યું ત્યારે યુવીએ મહાન પાશ્વગાયક કિશોર કુમારની ‘અમરપ્રેમ’ ફિલ્મના મશહૂર ગીતની કડી ગાઇને સૌ કોઈને ખુશ કરી દીધા હતા. ‘કુછ તો લોગ કહેંગે…’ એ કડી ગાઇને જ યુવીએ બધા પત્રકારોને પોતાનો જવાબ કહી દીધો હતો.


યુવીએ એ મુદ્દે એવું પણ કહ્યું હતું કે ‘જો કોઈ ખેલાડી ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20) રમતો હોય તો તેણે વર્કલૉડ મૅનેજ કરવો જ પડે. તેમને ક્યારે સિલેક્ટ કરવા અને ક્યારે નહીં એ કામ સિલેક્ટરોનું હોય છે.’


ટૂંકમાં, યુવીનું કહેવું એવું હતું કે રોહિત અને કોહલી ટી-20 ફૉર્મેટમાં પાછા આવ્યા છે એમાં કંઈ જ ખોટું નથી થયું.
યુવરાજે રોહિતને ગ્રેટ કૅપ્ટન તરીકે પણ ઓળખાવ્યો હતો.


ટીમ ઇન્ડિયાની ટી-20 ટીમમાં અને મુંબઈ ઇન્ડિયન્સમાં હાર્દિક પંડ્યા પાછો આવશે ત્યારે રોહિત શર્મા સાથે કૅપ્ટન્સીના મુદ્દે બંનેનો કોઈ વિવાદ થઈ શકે? એવા પ્રશ્નને યુવીએ કહ્યું, ‘આવી બાબતોમાં સામસામે બેસીને મુદ્દો ઉકેલવાનો હોય. હાર્દિક જ્યારે પણ એમઆઇ વતી રમ્યો છે ત્યારે રોહિત તેનામાંથી બેસ્ટ પર્ફોર્મન્સ બહાર લાવી શક્યો છે. દેશ વતી કે પછી બીજી કોઈ ટીમ વતી રમતી વખતે કોઈ પણ ખેલાડીનું અંદર-અંદરના ખટરાગને બાજુ પર રાખીને 100 ટકા પર્ફોર્મ કરવા પર જ ધ્યાન હોવું જોઈએ.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button