રશિયન ટેનિસ પ્લેયરે ટ્રોફી જીત્યા પછી કેમ ડૉક્ટરોનો આભાર માન્યો?
મૅડ્રિડ: ખેલાડી સામાન્ય રીતે કોઈ મૅચ કે ટૂર્નામેન્ટ જીત્યા પછી પોતાના કોચનો, સાથી ખેલાડીઓનો, પોતાની ટીમના મેમ્બર્સનો, પૅરેન્ટ્સનો, મિત્રોનો કે વહીવટકારોનો આભાર માનતા હોય છે, પરંતુ રશિયાના વર્લ્ડ નંબર-એઇટ ટેનિસ ખેલાડી આન્દ્રે રુબ્લેવે ડૉક્ટરોને થૅન્ક્સ કહ્યું છે.
વાત એવી છે કે 26 વર્ષનો રુબ્લેવ પહેલી જ વાર સ્પેનમાં મૅડ્રિડ ઓપનનું ટાઇટલ જીત્યો છે. તેણે સ્પેનના પાટનગર મૅડ્રિડમાં રમાયેલી આ સ્પર્ધાની રવિવારની ફાઇનલમાં કૅનેડાના ફેલિક્સ ઑઝે ઍલિયાસિમને 4-6, 7-5, 7-5થી હરાવ્યો હતો. રુબ્લેવે આ સિદ્ધિ મેળવ્યા પછી કહ્યું, ‘મારી કરીઅરનું આ સૌથી ગૌરવપૂર્ણ ટાઇટલ છે. ટૂર્નામેન્ટ દરમ્યાન તાવને કારણે મારું આખું અઠવાડિયું ખરાબ ગયું. જાણે મારો જીવ નીકળી રહ્યો હોય એવું મને દરરોજ લાગતું હતું. રાતે મને ઊંઘ નહોતી આવતી. કોઈને મારી વાત કદાચ સાચી નહીં લાગે, પણ છેલ્લા ત્રણ-ચાર દિવસથી હું સૂતો જ નથી.’
રુબ્લેવે પોતાના વિજેતાપદ બદલ ડૉક્ટરોનો આભાર માનતા કહ્યું, ‘મારી આ જીતનો સંપૂર્ણ જશ હું મારા ડૉક્ટરોને આપું છું. મારી તબિયત જરાય સારી નહોતી છતાં હું રમવાનું ચાલુ રાખી શકું એ માટે તેમણે બનતા બધા જ પ્રયત્નો કર્યા હતા. તેમણે મારા માટે આ બધુ જે કંઈ કર્યું એ માટે તેમનો આભાર માનવા માટે મારી પાસે શબ્દો નથી. ખરેખર જો કોઈ મારા છેલ્લા નવ દિવસ પર નજર કરે તો તેમને લાગશે કે આવી હાલતમાં હું ટાઇટલ જીત્યો જ કેવી રીતે!’
રુબ્લેવ કુલ 16 ટાઇટલ જીત્યો છે જેમાંના બે ટાઇટલ આ ટેનિસ-સીઝનમાં મેળવ્યા છે. તે ઇન્ડિયન વેલ્સ, માયામી, મૉન્ટે કાર્લો અને બાર્સેલોનામાં વહેલી એક્ઝિટ કર્યા બાદ મૅડ્રિડ આવ્યો હતો. ક્વૉર્ટર ફાઇનલમાં તેણે સ્પેનના વર્લ્ડ નંબર-થ્રી કાર્લોસ અલ્કારાઝને હરાવીને અપસેટ સરજ્યો હતો.
જોકે આ ટૂર્નામેન્ટ દરમ્યાન કેટલાક ટોચના ખેલાડીઓએ કોઈને કોઈ કારણસર વહેલી એક્ઝિટ કરી હતી. વર્લ્ડ નંબર-વન નોવાક જૉકોવિચે તો સ્પર્ધાની શરૂઆત પહેલાં જ ઈજાને કારણે રમવાની ના પાડી દીધી હતી, ડેનિલ મેડવેડેવ ક્વૉર્ટર ફાઇનલમાં સ્પર્ધામાંથી નીકળી ગયો હતો, અલ્કારાઝને પણ જમણા હાથમાં દુખાવો હોવા છતાં રમ્યો હતો, રાફેલ નડાલ પણ આ સ્પર્ધામાંથી વહેલો નીકળી ગયો હતો તેમ જ વર્લ્ડ નંબર-ટૂ યાનિક સિનર ક્વૉર્ટર ફાઇનલ પહેલાં જ ઈજાને લીધે ટૂર્નામેન્ટમાંથી નીકળી ગયો હતો.