સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાએ કેમ લાંબો સમય બૅટિંગ કરી? પચીસ વર્ષે ભારતમાં પ્રથમ શ્રેણી-વિજય હાથવેંતમાં

ગુવાહાટીઃ અહીં વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે સિરીઝની છેલ્લી ટેસ્ટ (સવારે 9.00 વાગ્યાથી) જીતવાનું ટીમ ઇન્ડિયા માટે અશક્ય છે, પણ આ મૅચને ડ્રૉમાં લઈ જઈને પરાજયનો માર્જિન 0-2ને બદલે 0-1 સુધી સીમિત રખાવવા માટેના પ્રયાસમાં ભારતીય ટીમને સફળતા મળે એ પણ સંભવ નથી લાગતું, કારણકે 549 રનના તોતિંગ લક્ષ્યાંક સામે મંગળવારની રમતના અંત સુધીમાં ભારતે 27 રનમાં બે વિકેટ (યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ) ગુમાવી દીધી હતી. બીજી તરફ, ટેમ્બા બવુમાના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમ ઐતિહાસિક વિજયની નજીક પહોંચી ગઈ છે ત્યારે એક ચર્ચા એવી છે કે મંગળવારે શા માટે પ્રવાસી ટીમે પ્રથમ દાવમાં 288 રનની સરસાઈ લીધા પછી પણ બીજા દાવમાં મોડી સાંજ સુધી (79મી ઓવર સુધી) બૅટિંગ કરી હતી.

સાઉથ આફ્રિકાના ક્રિકેટરો ભારતમાં છેલ્લે 2000ની સાલમાં હન્સી ક્રૉન્યેના સુકાનમાં ટેસ્ટ-શ્રેણી જીત્યા હતા. હવે બવુમાની ટીમને ભારતમાં પચીસ વર્ષે ટેસ્ટ-સિરીઝ (Series win) જીતવાની સોનેરી તક મળી છે. ચોથા દાવમાં કોઈ ટીમે લક્ષ્યાંક ચેઝ કરી લીધો હતો એવા સર્વોચ્ચ સ્કોર્સમાં વેસ્ટ ઇન્ડિઝનો 7/418નો વર્લ્ડ રેકૉર્ડ છે.

મંગળવારની રમતને અંતે સ્થિતિ એવી હતી કે ભારતે 549 રનના પહાડ જેવા લક્ષ્યાંક સામે 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી ત્યારે નાઇટ-વૉચમૅન કુલદીપ યાદવ ચાર રને અને સાઇ સુદર્શન બે રને દાવમાં હતા. યશસ્વીની વિકેટ ફાસ્ટ બોલર માર્કો યેનસેને અને રાહુલની વિકેટ સ્પિનર સાઇમન હાર્મરે લીધી હતી. ભારતે જીતવા હજી 522 રન કરવાના બાકી હતા, જ્યારે સાઉથ આફ્રિકાએ ફક્ત આઠ વિકેટ લેવાની બાકી હતી. નિવૃત્ત ખેલાડીઓ રોહિત શર્મા તથા વિરાટ કોહલી જેવા દિગ્ગજો તેમ જ મુખ્ય કૅપ્ટન શુભમન ગિલ વિના નબળી પડેલી બૅટિંગ લાઇન-અપનો બુધવારે પહેલા-બીજા સત્રમાં જ વીંટો વળી જશે આવી સંભાવના નકારી ન શકાય. કોઈ ચમત્કાર જ ભારતને જિતાડી શકે અથવા મૅચને ડ્રૉ કરાવી શકે.

મંગળવારે બન્યું એવું કે ટ્રિસ્ટેન સ્ટબ્સ (94 રન)ને રવીન્દ્ર જાડેજાએ સાઉથ આફ્રિકા (South Africa)ની 79મી ઓવરના ત્રીજા બૉલ પર ક્લીન બોલ્ડ કર્યો એ સાથે કૅપ્ટન ટેમ્બા બવુમાએ દાવ ડિક્લેર કરી દીધો હતો. ભારત (India)ને 549 રનનો ખૂબ ઊંચો લક્ષ્યાંક આપવાને બદલે દાવ વહેલો સમાપ્ત (Declare) જાહેર કરીને છેલ્લા લગભગ બે કલાકની રમતમાં ભારતીયોને સાઉથ આફ્રિકન બોલર્સ વધુ મુશ્કેલીમાં લાવી શક્યા હોત, પણ ભારતને બીજા દાવમાં છેલ્લા લગભગ એક કલાકની રમતનો સમય આપવાનું બવુમાએ પસંદ કર્યું હતું. જોકે એમાં પણ ભારતે 27 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

વાત એવી છે કે ભારતમાં પિચો મોટા ભાગે લાલ માટીથી બનાવાય છે. પોતાના બૅટ્સમેનો વધુ બૅટિંગ કરે એટલે લાલ માટીવાળી પિચ તૂટવા માંડે અને પાંચમા દિવસે (બુધવારે) પોતાના સ્પિનર્સને વધુ તૂટેલી પિચ પર મોટો લાભ મળે લગભગ એ હેતુથી સાઉથ આફ્રિકાની ટીમે મંગળવારે સાંજે દાવ વહેલો ડિક્લેર કરી દેવાને બદલે વધુ બૅટિંગ કરી કરવાનું પસંદ કર્યું હતું. એકંદરે, ટેસ્ટમાં રિષભ પંતની નવીસવી કૅપ્ટન્સી અનુભવી તથા વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન બવુમાની કૅપ્ટન્સી સામે ઝાંખી લાગી હતી.

દરમ્યાન, સાઉથ આફ્રિકાએ બીજા દાવમાં પાંચ વિકેટે 260 રન (ડિક્લેર્ડ) કર્યા હતા એમાં સ્ટબ્સના 94 રન હાઇએસ્ટ હતા. ભારતના સાત બોલર્સમાંથી જાડેજાએ સૌથી વધુ ચાર વિકેટ તથા વૉશિંગ્ટન સુંદરે એક વિકેટ લીધી હતી.

આપણ વાંચો:  સુરેશ રૈનાએ હેડ-કોચ ગૌતમ ગંભીરના બચાવમાં કહ્યું કે…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button