પાકિસ્તાને ત્રિકોણીય જંગની બધી મૅચો કેમ રાવલપિંડીમાં રાખી દેવી પડી?

રાવલપિંડીઃ એક તરફ પાકિસ્તાન પોતાને ત્યાં તાલીમ પામેલા આતંકવાદીઓને મોકલીને ભારતમાં પોતાના મળતિયાઓની મદદથી આતંકની પ્રવૃત્તિઓ બેરોકટોક કરી રહ્યું છે ત્યાં બીજી બાજુ ખુદ પાકિસ્તાનની ધરતી પર બૉમ્બ હુમલા થઈ રહ્યા છે જેને કારણે એના જ ક્રિકેટ બોર્ડે આગામી ટી-20 ટ્રાયેન્ગ્યુલર ટૂર્નામેન્ટનું શેડ્યૂલ બદલવું પડ્યું છે. ઇસ્લામાબાદમાં જીવલેણ આત્મઘાતી હુમલા થયા છે. પાકિસ્તાનના શ્રીલંકા અને ઝિમ્બાબ્વે સામેના ત્રિકોણીયા જંગની ફાઇનલ સહિતની પાંચ મૅચ લાહોરમાં રમાવાની હતી, પણ હવે તમામ મૅચો રાવલપિંડીમાં રાખવામાં આવી છે.
આ ટ્રાયેન્ગ્યૂલર હવે સલામતીના કારણસર 17મી નવેમ્બરને બદલે 18મી નવેમ્બરે શરૂ થશે. ત્રણેય દેશના ક્રિકેટ બોર્ડ સમયપત્રકમાં ફેરફાર કરવા સંમત થવાને પગલે આ ફેરફાર કરાયા છે. દરેક ટીમ ચાર-ચાર મૅચ રમશે અને ટોચની બે ટીમ ફાઇનલમાં પહોંચશે.
ઇસ્લામાબાદમાં ધડાકા બાદ ઝિમ્બાબ્વેની ટીમનું આગમન
પાટનગર ઇસ્લામાબાદમાં જીવલેણ સૂસાઇડ બૉમ્બ અટૅક થવાને પગલે સ્થિતિ ખૂબ ગંભીર છે ત્યાં ઝિમ્બાબ્વેના ક્રિકેટરો ગુરુવારે સવારે આ શહેરમાં પહોંચ્યા હતા જ્યાં તેમને કડક સલામતી વચ્ચે ઍરપોર્ટ પરથી હોટેલમાં લઈ જવામાં આવ્યા હતા.
અફઘાનિસ્તાને આવવાનો ઇનકાર કરેલો
ટ્રાયેન્ગ્યુલર સ્પર્ધાની 18મી નવેમ્બરની પ્રથમ મૅચ યજમાન પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાશે. આ સ્પર્ધામાં મૂળ તો ઝિમ્બાબ્વેને બદલે અફઘાનિસ્તાન રમવાનું હતું, પણ અફઘાનિસ્તાનની ધરતી પર પાકિસ્તાની સૈન્યએ કરેલા હવાઈ હુમલામાં ત્રણ સ્થાનિક ક્રિકેટરના મૃત્યુ થવાને પગલે અફઘાનિસ્તાને આ ટ્રાયેન્ગ્યુલરમાં રમવાની ના પાડી દીધી હતી.
એક તરફ ધડાકા, બીજી તરફ ક્રિકેટ બોર્ડની ધમકીઃ શ્રીલંકન ખેલાડીઓની હાલત ` સૂડી વચ્ચે સોપારી’
ઇસ્લામાબાદમાં 12 લોકોનો ભોગ લેનાર આત્મઘાતી બૉમ્બ હુમલા થવાને પગલે પાકિસ્તાનમાં ચાલી રહેલી વન-ડે સિરીઝની બાકીની બે મૅચમાં રમવાનું ટાળીને શ્રીલંકા ભેગા થઈ જવાની તૈયારી કરતા શ્રીલંકાના આઠ ખેલાડીઓને તેમના ક્રિકેટ બોર્ડે ધમકી આપી હતી કે જો તેઓ આ પ્રવાસ અધવચ્ચેથી છોડી દેશે તો તેમની સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. પરિણામે, આ ખેલાડીઓ અસલામતીના વાતાવરણમાં ડરીને પાકિસ્તાનમાં જ રહ્યા છે અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શેડ્યૂલમાં ફેરફાર કરીને સિરીઝની બાકીની બે વન-ડે ગુરુવાર અને શનિવારને બદલે શુક્રવાર તથા રવિવારે રાખી છે. પાકિસ્તાન બોર્ડ ગરીબીમાં સડી રહ્યું છે અને એના ચૅરમૅન મોહસિન નકવીએ શ્રીલંકન ક્રિકેટરોને પાકિસ્તાનનો પ્રવાસ ચાલુ રાખવા સમજાવવા બદલ શ્રીલંકન બોર્ડનો આભાર માન્યો છે. જો શ્રીલંકાના ખેલાડીઓ પ્રવાસ છોડી ગયા હોત તો ટ્રાયેન્ગ્યુલર પણ મુશ્કેલીમાં આવી ગઈ હોત અને પાકિસ્તાન બોર્ડને સ્પૉન્સરશિપથી મળનારાં લાખો રૂપિયા ન મળ્યા હોત. ઉલ્લેખનીય છે કે 2009માં લાહોરમાં શ્રીલંકાના ખેલાડીઓની બસ પર આતંકવાદી હુમલો થયો હતો જેને કારણે વર્ષો સુધી પાકિસ્તાનમાં કોઈ પણ દેશે પોતાના ક્રિકેટરોને રમવા નહોતા મોકલ્યા.



