‘દેશ સે બઢકર કોઈ નહીં’ એવું કપિલ દેવે કેમ અને કોના માટે કહ્યું?
નવી દિલ્હી: વિકેટકીપર-બૅટર ઇશાન કિશન અને મિડલ-ઑર્ડર બૅટર શ્રેયસ ઐયરને બીસીસીઆઇએ બુધવારે સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટમાંથી બહાર કરી નાખ્યા એને પગલે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ બન્ને ખેલાડીઓની તરફેણ કરીને ક્રિકેટ બોર્ડના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. જોકે લેજન્ડરી કૅપ્ટન કપિલ દેવનું જૂદું જ માનવું છે. તેમણે શુક્રવારે બીસીસીઆઇના નિર્ણયને ટેકો આપતા કહ્યું, ‘રણજી ટ્રોફી જેવી દેશની મોટી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટોને બચાવવા આ કડક પગલું જરૂરી હતું. ડોમેસ્ટિક ક્રિકેટને મહત્ત્વ આપતા આ નિર્ણયની લાંબા સમયથી જરૂર હતી.’
1983ના વર્લ્ડ કપના ચૅમ્પિયન કૅપ્ટન કપિલ દેવે નામ લીધા વિના એવું પણ કહ્યું કે ‘આ નિર્ણયથી કેટલાક ખેલાડીઓને વિપરીત અસર જરૂર થશે. કુછ લોગોં કો તકલીફ હોગી, હોને દો, લેકિન દેશ સે બઢકર કોઈ નહીં હૈ. હું તો બીસીસીઆઇને ડોમેસ્ટિક ક્રિકેટનો દરજ્જો સાચવતા આ નિર્ણય બદલ અભિનંદન આપવા માગું છું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાને સ્થાપિત કરનાર પ્લેયરો ડોમેસ્ટિક ક્રિકેટ રમવાનું ટાળતા હતા એ જોઈને મને બહુ દુ:ખ થતું હતું. બીસીસીઆઇએ ડોમેસ્ટિક ક્રિકેટને આગળ લઈ જવાના હેતુવાળું આ પગલું લીધું છે. ખેલાડીઓએ એમાં રમવું જ જોઈએ.’
બીસીસીઆઇએ સેન્ટ્રલ કૉન્ટ્રૅક્ટ જાહેર કરતી વખતે ખેલાડીઓને ડોમેસ્ટિક સ્પર્ધાઓને મહત્ત્વ આપવાની અરજ કરી હતી.