ઍલિસ્ટર કૂક કેમ કહે છે કે જાડેજાને બૅટિંગ-ક્રમમાં નીચે ઊતારો
રાંચી: ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ ઇંગ્લૅન્ડ સામે રાજકોટની ત્રીજી ટેસ્ટમાં પાંચમા નંબર પર બૅટિંગ કરીને જ મૅચ-વિનિંગ 112 રન બનાવ્યા હતા એમ છતાં ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ કૅપ્ટન ઍલિસ્ટર કૂક એવું માને છે કે ‘પાંચમા નંબર પર જાડેજા એક વાતે મૂંઝાઈ જાય છે. તે નક્કી નથી કરી શક્તો કે સંરક્ષણાત્મક નીતિ અપનાવીને રમવું કે આક્રમક સ્ટાઇલમાં ફટકાબાજી કરવી.’
વિરાટ કોહલી અને કેએલ રાહુલ નથી રમતા એટલે જાડેજાને પાંચમા નંબર પર પ્રમોટ કર્યો છે. તેણે રાંચીની ટેસ્ટમાં માત્ર બાર અને ચાર રન બનાવ્યા હતા. કૂકનું માનવું છે કે ‘જાડેજાએ નીચલા ક્રમે જ બૅટિંગ કરવી જોઈએ. એક તો પોતે પાંચમા સ્થાને પ્રેશરમાં રમે છે અને તેને કારણે બીજા બૅટર્સ પર પણ પ્રેશર આવે છે. રાંચી ટેસ્ટ પરથી તો સ્પષ્ટ થઈ ગયું છે કે જાડેજા ઉપરના સ્થાને સારી બૅટિંગ નથી કરી શક્તો. તેની પાસે રન બનાવવાની ક્ષમતા છે, પરંતુ પ્રેશરની સ્થિતિમાં તે નક્કી નથી કરી શક્તો કે અટૅકિંગ રમવું કે ડિફેન્સિવ.’
જાડેજાએ ટેસ્ટમાં મોટા ભાગે છ, સાત અને આઠ નંબર પર બૅટિંગ કરી છે. તેણે 71 ટેસ્ટની કુલ 104 ઇનિંગ્સમાં 3021 રન બનાવ્યા છે. અણનમ 175 રન તેનો હાઈએસ્ટ સ્કોર છે. આ 175 રન તેણે માર્ચ 2022માં મોહાલીમાં શ્રીલંકા સામે સાતમા નંબર પર રમીને બનાવ્યા હતા. તેણે બીજી બે સદી પણ સાતમા નંબરે રમીને બનાવી હતી.
જાડેજાને વિશ્ર્વનો વર્લ્ડ-ક્લાસ ઑલરાઉન્ડર બનાવવાનું પણ કૂક ચૂક્યો નથી. કૂકે એ બાબતમાં કહ્યું, ‘જાડેજા અવ્વલ દરજ્જાનો ઑલરાઉન્ડર છે, પણ તે પાંચમા નંબર પર સારી બૅટિંગ ન કરી શકે, કારણકે તે બહુ જોખમ નથી ઊઠાવતો.’