સ્પોર્ટસ

ભારત-ઇંગ્લૅન્ડની પાંચ ટેસ્ટની સિરીઝમાં કોણ બનાવશે સૌથી વધુ રન? પાંચ બૅટ્સમેન છે દાવેદાર

લીડ્સઃ અહીં હેડિંગ્લી ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે શુક્રવાર, 20મી જૂને (બપોરે 3.30 વાગ્યાથી) શરૂ થનારી પ્રથમ મૅચ અને ત્યાર પછીની ચાર મૅચ એમ કુલ મળીને જે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમાશે એમાં સૌથી વધુ રન બનાવવા માટે બન્ને ટીમના મળીને કુલ પાંચ બૅટ્સમેન દાવેદાર (top scoring batsmen) મનાય છે. બેઉ ટીમ પાસે એક-એક અનુભવી બૅટ્સમૅન છે, પરંતુ બાકીના યુવાન બૅટ્સમેનો પણ હરીફ ટીમના બોલર્સને ભારે પડી શકે એવા છે.

ઇંગ્લૅન્ડ પાસે સિરીઝનો સૌથી અનુભવી બૅટ્સમૅન જૉ રૂટ (Joe Root) છે જેણે ટેસ્ટ-ક્રિકેટમાં 13,000થી પણ વધુ રન બનાવ્યા છે. તેના નામે કુલ 13,006 રન છે. ભારત પાસે કેએલ રાહુલ છે જે ઇંગ્લૅન્ડની ધરતી પર બ્રિટિશરો સામે સારું રમી ચૂક્યો છે.
આ શ્રેણી (Test series)માં સૌથી વધુ રન કોણ બનાવશે એની ચર્ચામાં સૌથી પહેલાં જૉ રૂટ અને કેએલ રાહુલના નામ સૌથી પહેલાં લેવાય છે.

કોણ બનાવશે સૌથી વધુ રન? આ રહ્યા પાંચ દાવેદાર

(1) જૉ રૂટઃ ટેસ્ટ-ક્રિકેટમાં 13,000-પ્લસ રન બનાવનાર વિશ્વના આ પાંચમા ખેલાડીને 153 ટેસ્ટની 279 ઇનિંગ્સનો અનુભવ છે. 34 વર્ષીય રૂટના નામે 36 સેન્ચુરી અને 65 હાફ સેન્ચુરી છે. હોમ-પિચ પર તે જો ભારત સામેની આ શ્રેણીમાં સૌથી વધુ રન બનાવશે તો નવાઈ નહીં લાગે.

(2) કેએલ રાહુલઃ 33 વર્ષનો ઓપનર રાહુલ 58 ટેસ્ટની 101 ઇનિંગ્સ રમી ચૂક્યો છે. તેણે સાડાદસ વર્ષની ટેસ્ટ-કારકિર્દીમાં આઠ સેન્ચુરી અને 17 હાફ સેન્ચુરીની મદદથી 3,257 રન કર્યા છે. તેણે ગયા વખતે ઇંગ્લૅન્ડમાં સારું પર્ફોર્મ કર્યું હતું. તેણે બ્રિટિશ ધરતી પર સેન્ચુરી પણ ફટકારી હતી. એ શ્રેણીમાં તેણે 300થી વધુ રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાને ફરી તેની પાસે સારા દેખાવની આશા છે.

(3) બેન ડકેટઃ 30 વર્ષનો આ લેફ્ટ-હૅન્ડ બૅટ્સમૅન નવ વર્ષમાં 33 ટેસ્ટ રમ્યો છે જેમાં તેણે પાંચ સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરીની મદદથી 2,410 રન કર્યા છે. આ ઓપનર આક્રમક બૅટિંગ માટે જાણીતો છે.

(4) શુભમન ગિલઃ ભારતના આ નવા સુકાનીનું ઇંગ્લૅન્ડમાં પ્રદર્શન સારું તો નથી રહ્યું, પરંતુ સચિન તેન્ડુલકરને ખાતરી છે કે આ વખતે ગિલ કંઈક સ્પેશિયલ કરશે. તાજેતરની આઇપીએલમાં ફૉર્થ-બેસ્ટ 650 રન કર્યા પછી હવે તે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-શ્રેણીમાં પણ ઢગલો રન કરશે એવી ધારણા છે.

આ પણ વાંચો -‏‏‎ ગિલને સચિનની સલાહ, ` લોકો તો કહેશે કે આ કર ને પેલું કર, પણ તું તારા નિર્ણયોને વળગી રહેજે’

(5) યશસ્વી જયસ્વાલઃ ગયા વર્ષે ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ-સિરીઝમાં 700થી પણ વધુ રન કરનાર આ ઓપનરે ઑસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં પણ સારું પર્ફોર્મ કર્યું હતું. હવે તેની પાસે ઇંગ્લૅન્ડ ખાતેની ટૂરમાં સારા દેખાવની આશા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button