
વન-ડે વર્લ્ડ કપ 2023ના ફાઇનલ મુકાબલામાં ક્રિકેટરોની સુરક્ષામાં મોટી ચૂક સર્જાઇ હતી. ઓચિંતા જ ક્રિકેટ ગ્રાઉન્ડ પર દોડી આવી એક યુવકે વિરાટ કોહલીને પાછળથી પકડી લીધો હતો. જો કે પછી તરત જ સુરક્ષાકર્મીઓ ગ્રાઉન્ડ પર દોડી આવ્યા હતા અને યુવકને પકડીને પોલીસ હવાલે કરાયો હતો. હવે પોલીસની પૂછપરછમાં આ યુવક અંગેની વિગતો બહાર આવી છે.
મેચની પ્રથમ ઇનિંગમાં આ યુવકે પેલેસ્ટાઇનને સમર્થનનો સંદેશો આપતું એક ટી-શર્ટ પહેરી રાખ્યું હતું, તેણે માસ્ક પણ પેલેસ્ટાઇનના ઝંડાવાળું પહેર્યું હતું. તેણે જેવો વિરાટને પાછળથી પકડ્યો કે તરત જ વિરાટ ચોંકી ગયો હતો, અને એ પછી તરત જ સિક્યોરિટી સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકને સ્ટેડિયમની બહાર લઇ જવાયો હતો. આ દરમિયાન યુવક અને સિક્યોરિટી સ્ટાફ વચ્ચે અથડામણ થઇ હતી, જેમાં યુવકને ઇજા પહોંચી હતી. આ યુવકને પકડીને ચાંદખેડા પોલીસ સ્ટેશન હાજર કરવામાં આવ્યો હતો.
આ યુવકે તેનું નામ વેન જ્હોન્સન અને પોતે ઓસ્ટ્રેલિયન નાગરિક હોવાનું જણાવ્યું છે. તેના પાસપોર્ટ પરથી પણ આ વાતનો ખુલાસો થયો છે, તેની ઉંમર 24 વર્ષની છે. તે વિરાટ કોહલીને મળવા માટે ગ્રાઉન્ડ પર ઘુસી આવ્યો હતો તેવું તેણે પોલીસને જણાવ્યું હતું.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ તે પહેલા ટીમ ઇન્ડિયાની ટીશર્ટ પહેરીને સ્ટેડિયમમાં ઘુસ્યો હતો અને ત્યારબાદ તેણે સ્ટેડિયમની અંદર જ જર્સી બદલીને ‘પેલેસ્ટાઇન પર બોમ્બમારો રોકો’ તેવું લખાણ ધરાવતું ટી-શર્ટ પહેરી લીધું હતું અને તે સંદેશો આપવા ગ્રાઉન્ડ પર ઘુસી આવ્યો હતો.