આરસીબીની ચૅમ્પિયન બૅટર એલીસ પેરી પર એક સમયે કોણ ફિદા હતું?

નવી દિલ્હી: ભારતીય મહિલા ટીમની સુપરસ્ટાર ઓપનર સ્મૃતિ મંધાના મહિલાઓની આઇપીએલ એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં 2023ની પ્રથમ સીઝનમાં પ્લેયર તરીકે તો નિષ્ફળ ગઈ જ હતી, પાંચ ટીમની આ ટૂર્નામેન્ટમાં તેની ટીમ છેક ચોથા નંબર પર હતી. જોકે આ વખતે મંધાના 300 રન સાથે ચોથા નંબર પર રહી. એ તો ઠીક, પણ તેના સુકાનમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની ટીમે ચૅમ્પિયન બનીને આરસીબી માટે નવો ઇતિહાસ સરજ્યો છે.
આરસીબીને આ પ્રથમ ટાઇટલ અપાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર ઑસ્ટ્રેલિયાની ઑલરાઉન્ડર એલીસ પેરી હમણાં ખૂબ ચર્ચામાં છે.
આરસીબીની એલીસ પેરીએ 2024ની ડબ્લ્યૂપીએલની સીઝનમાં નવ મૅચમાં બે હાફ સેન્ચુરીની મદદથી કુલ 347 રન બનાવ્યા જે તમામ બૅટર્સમાં હાઈએસ્ટ છે. 125.72 તેનો સ્ટ્રાઇક રેટ હતો. તેણે કુલ સાત વિકેટ પણ લીધી હતી.
એલીસ પેરીના આ સુપર-ડુપર પર્ફોર્મન્સ વખતે તેનો એક જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ થયો છે. ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મળવાની આશા છોડીને ગયા વર્ષે જાન્યુઆરીમાં આંતરરાષ્ટ્રીય કારકિર્દીને અલવિદા કરનાર ઓપનિંગ બૅટર મુરલી વિજયને 2020ની સાલમાં લૉકડાઉન દરમ્યાન એક અખબારી પત્રકારે મુલાકાતમાં પૂછ્યું હતું, ‘લૉકડાઉન પછી તમે કયા ક્રિકેટરો સાથે ડિનર પર જવાનું પસંદ કરશો એવું જો તમને પૂછવામાં આવે તો કોના નામ લેશો?’ મુરલી વિજયે જવાબમાં કહ્યું, ‘શિખર ધવન સાથે હું કોઈ પણ દિવસે ડિનર પર જવા તૈયાર થઈશ. એ મસ્ત માણસ છે. અમે ડિનરના ટેબલ પર ગપ્પા મારીશું તો એ ભલે હિન્દીમાં બોલે, હું તામિલમાં જ બોલીશ. બીજું નામ હું એલીસ પેરીનું લઈશ. તેની સાથે ડિનર પર જવાની મને ખૂબ ઇચ્છા છે. તે ખૂબ જ સુંદર છે.’
અહીં જણાવવાનું કે દિનેશ કાર્તિક સાથે છૂટાછેડા લેનાર નિકિતા સાથે મુરલી વિજયે લગ્ન કર્યા હતા. વિજય-નિકિતાને ત્રણ પુત્રો અને એક પુત્રી છે.
એલીસ પેરી પાસે ઇન્ટરવ્યૂમાં જ્યારે મુરલી વિજયની ડિનરવાળી વાત પર પ્રતિક્રિયા માગવામાં આવી ત્યારે પેરીએ એક શરત સાથે મજાકમાં કહ્યું હતું, ‘આશા રાખું છું કે તે પે કરશેને? તેણે મારી સાથે ડિનર પર જવાની ઇચ્છા બતાવી? તેનો ખૂબ ખૂબ આભાર. તેની આ ઑફર બદલ હું ગર્વ અનુભવું છું.’
33 વર્ષની પેસ બોલિંગ ઑલરાઉન્ડર એલીસ પેરીએ ઑસ્ટ્રેલિયા વતી 300-પ્લસ ઇન્ટરનૅશનલ મૅચમાં 6500-પ્લસ રન બનાવ્યા છે અને 300-પ્લસ વિકેટ લીધી છે.