આનંદો! શનિવારે પહેલી વાર મહિલા ચેસ જગતને મળશે ભારતીય વર્લ્ડ ચૅમ્પિયન | મુંબઈ સમાચાર

આનંદો! શનિવારે પહેલી વાર મહિલા ચેસ જગતને મળશે ભારતીય વર્લ્ડ ચૅમ્પિયન

38 વર્ષની કૉનેરુ હમ્પી અને તેનાથી અડધી ઉંમરની દિવ્યા દેશમુખ વચ્ચે ફાઇનલ, ઇનામીરકમ મળશે રૂપિયા…

બાટુમી (જ્યોર્જિયા): મહિલા ચેસ જગત (Chess World)માં ભારતીય મહિલા ચેસ માટે શનિવારનો દિવસ ઐતિહાસિક બનશે, કારણકે વિમેન્સ ચેસમાં પહેલી વાર ભારત (India)ની ખેલાડી વર્લ્ડ ચૅમ્પિયન બનશે.

વિશ્વનાથન આનંદના રૂપમાં ભારતને ચેસમાં સૌપ્રથમ વર્લ્ડ ચૅમ્પિયન મળ્યો હતો અને હવે મહિલાઓમાં દેશને પહેલી વિશ્વ વિજેતા મળશે એ નક્કી છે, કારણકે શનિવાર, 26મી જુલાઈએ ફિડે (Fide) વિમેન્સ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતની જ બે ખેલાડીઓ કૉનેરુ હમ્પી (Koneru Humpy) અને દિવ્યા દેશમુખ (Divya Deshmukh) વચ્ચે રસાકસી થશે અને જે જીતશે એ મહિલા ચેસની સૌપ્રથમ ભારતીય વિશ્વવિજેતા કહેવાશે.

હમ્પી કરતાં દિવ્યા અડધી ઉંમરની છે. હમ્પી આંધ્ર પ્રદેશની છે, જ્યારે દિવ્યા નાગપુરની છે. આ મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં બન્ને ભારતીય પ્લેયર હોય એવું પહેલી જ વખત બન્યું છે. અહીં ફાઇનલમાં પહોંચીને તેઓ આવતા વર્ષની પ્રતિષ્ઠિત કૅન્ડિડેટ્સ ટૂર્નામેન્ટ માટે ક્વૉલિફાય પણ થઈ છે.

ઉલ્લેખનીય છે કે પુરુષોની ચેસમાં ડિસેમ્બર, 2024માં 19 વર્ષનો ડી. ગુકેશ વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. તેણે ફાઇનલમાં ચીનના ડિન્ગ લિરેનને પરાજિત કરી દીધો હતો.

આપણ વાંચો: ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાશે ચેસ વર્લ્ડ કપ

બન્ને ભારતીયનો ચીની હરીફ સામે વિજય

શનિવારની ફાઇનલની હરીફોમાંથી કૉનેરુ હમ્પી 38 વર્ષની છે અને પીઢ ચેસ ખેલાડી છે. તેણે ગુરુવારે સેમિ ફાઇનલમાં ચીનની ટિન્ગજી લીને હરાવી દીધી હતી. દિવ્યા દેશમુખ 19 વર્ષની છે.

તેણે સેમિ ફાઇનલમાં ચીનની જ ભૂતપૂર્વ વિશ્વ વિજેતા ઝોન્ગ્યી ટૅન સામે વિજય મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બન્ને ચીની ખેલાડીએ ભારતીય હરીફોને હરાવીને ફાઇનલને ઑલ-ચાઇના ફાઇનલ બનાવવાનો મનસૂબો ઘડ્યો હતો, પરંતુ તેઓ એમાં સફળ નહોતી થઈ. ઊલટાનું, આ ફાઇનલ ઑલ-ઇન્ડિયા થઈ ગઈ અને એ સાથે ભારતની મહિલા ચેસમાં નવો ઇતિહાસ સર્જાયો.

આ ફાઇનલ જીતનારને 42 લાખ રૂપિયા અને રનર-અપને 29 લાખ રૂપિયાનું ઇનામ મળશે.

આપણ વાંચો: ચેસ સ્ટાર પ્રજ્ઞાનાનંદે એક મૅચ જીતીને બે મોટી સિદ્ધિ મેળવી…

દિવ્યાના પર્ફોર્મન્સથી હમ્પી પ્રભાવિત

ગ્રેન્ડમાસ્ટર (જીએમ) કૉનેરુ હમ્પી વર્લ્ડ વિમેન રૅપિડ ચેસ ટૂર્નામેન્ટની વિજેતા છે. 2019માં પણ તે વર્લ્ડ રૅપિડ ચેસ ટૂર્નામેન્ટ જીતી હતી. તાજેતરમાં જ તેણે વિમેન્સ ગ્રાં પ્રિમાં સંયુક્ત વિજેતાપદ પણ હાંસલ કર્યું હતું.

વિશ્વનાથન આનંદે 2000ની સાલમાં 31 વર્ષની ઉંમરે પહેલી વાર વિશ્વવિજેતાપદ મેળવ્યું હતું, જ્યારે મહિલા ચેસની વાત કરીએ તો કૉનેરુ હમ્પી 38 વર્ષની છે અને છેલ્લા થોડા વર્ષોમાં તેણે તનતોડ મહેનતથી તેમ જ સંકલ્પશક્તિથી બુદ્ધિચાતુર્યની આ રમતમાં આગવું સ્થાન જમાવ્યું અને હવે પહેલી વાર વિશ્વવિજેતા બનવાની તૈયારી કરી રહી છે.

2020માં તે ફિડે ઑનલાઇન ચેસ ઑલિમ્પિયાડ જીતી હતી. 1999માં તે એશિયાની યંગેસ્ટ વુમન ઇન્ટરનૅશનલ માસ્ટર (આઇએમ) બની હતી. ખુદ હમ્પીએ ફિડેની વેબસાઇટને મુલાકાતમાં કહ્યું છે કે ` દિવ્યા બહુ સારા ફૉર્મમાં છે. તે આ વર્લ્ડ કપમાં ઘણું સારું રમી છે.’

આપણ વાંચો: બાંગ્લાદેશનાં 80 વર્ષનાં ચેસ-લેજન્ડ દિલ્હીની સ્પર્ધામાં ગેમ જીત્યાં

હમ્પી પરણેલી, એક દીકરીની માતા

કૉનેરુ હમ્પીએ 2016માં એક જાણીતી કંપનીના પ્રૉજેક્ટ મૅનેજર દેસારી અનવેશ સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી છે.

થોડી ઊંઘ અને થોડું ભોજન

ઇન્ટરનૅશનલ માસ્ટર (આઇએમ) દિવ્યા આ વર્લ્ડ કપમાં ટૉપ-ટેનમાં સામેલ ત્રણ ખેલાડીને હરાવી ચૂકી છે અને હવે તે ભારતની જ કૉનેરુ હમ્પીને પડકારશે. મરાઠી પરિવારની દિવ્યા ગ્રેન્ડમાસ્ટરનું ટાઇટલ પણ ધરાવે છે.

તે ત્રણ વખત ચેસ ઑલિમ્પિયાડનું ટાઇટલ જીતી ચૂકી છે. એશિયન ચૅમ્પિયનશિપ અને વર્લ્ડ જુનિયર ચૅમ્પિયનશિપના ટાઇટલ પણ તેની પાસે છે. તેણે ગુરુવારે ફાઇનલમાં પહોંચ્યા પછી ફિડ વેબસાઇટ પર કહ્યું, ` હું હવે થોડી ઊંઘ કરીશ. ફાઇનલ પહેલાં એ બહુ જરૂરી છે. થોડું ખાઈ પણ લઈશ કે જેથી સારી ઊંઘ કરી શકું. છેલ્લા થોડા દિવસો ખૂબ સંઘર્ષપૂર્ણ રહ્યા.’

ફાઇનલનું ફૉર્મેટ શું છે?

(1) બન્ને ફાઇનલિસ્ટને પહેલી 40 ચાલ માટે 90 મિનિટનો સમય મળશે. ત્યાર બાદ તેમને બાકી રહેલી ગેમ માટે 30 મિનિટ મળશે.
(2) પ્રથમ ચાલથી જ ચાલ-દીઠ 30 સેકન્ડનો સમય વધારાશે.
(3) બે ક્લાસિકલ ગેમ બાદ જો મૅચ ટાઇ થશે તો આ મુજબ ટાઇબ્રેક યોજાશેઃ (અ) 10 મિનિટ + 10 સેકન્ડના વધારાના સમયવાળી બે રૅપિડ ગેમ રમાશે. (બ) એમ છતાં જો મૅચ ટાઇ રહેશે તો પાંચ મિનિટ + 3 સેકન્ડના વધારાના સમયવાળી બે ગેમ રમાશે. (ક) જરૂર પડશે તો ત્રણ મિનિટ + બે સેકન્ડના વધારાના સમયવાળી બે બ્લિટ્ઝ ગેમ રમાશે. (ડ) હજી પણ જરૂર જણાશે તો વિજેતા નક્કી થશે ત્યાં સુધી 3 + 2 બ્લિટ્ઝ ગેમ રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button