એ કોણ છે જેનાથી શિખર ધવન દૂર નથી રહી શકતો, તેને ખૂબ ભેટવા આતુર છે…
નવી દિલ્હી: ઓપનિંગ બૅટર શિખર ધવનની કરીઅર અને જિંદગી થોડા સમયથી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. પત્ની આયેશા સાથે ડિવૉર્સ થઈ ગયા છે ત્યાર પછી તે પુત્ર જોરાવરને નથી મળી શક્યો અને એનો તેને વસવસો છે.
ક્રિકેટચાહકોમાં ‘ગબ્બર’ તરીકે જાણીતા શિખરે ‘હ્યુમન્સ ઑફ બૉમ્બે’ સાથેની વાતચીતમાં પુત્રને પોતે કેટલો બધો મિસ કરી રહ્યો છે એની વાત કરતા કહ્યું, ‘હું જોરાવરને પાંચ-છ મહિનાથી નથી મળી શક્યો અને તેની સાથે કંઈ વાત પણ નથી કરી શક્યો. મારે તેને વહેલાસર ફરી મળવું છે, ખૂબ વહાલ કરવું છે, પિતાનો પ્રેમ આપવો છે. અગાઉ હું ઑસ્ટ્રેલિયામાં તેને અઠવાડિયા માટે મળતો ત્યારે ત્યારે તે દરરોજ મને થોડા કલાક જ મળી શકતો હતો. હવે હું તેની સાથે ઘણો સમય વીતાવવા માગું છું, તેને મારા હાથમાં ઊંચકીને સૂવડાવવા માગું છું. હું ઇચ્છું છું કે તે જ્યાં પણ રહે ત્યાં ખૂબ ખુશ રહે. આશા રાખું છું કે ભગવાન કરે એક દિવસ તે ફરી મારી પાસે આવી જશે.’
શિખરે ગયા વર્ષે પણ તેના બર્થ-ડેએ સોશિયલ મીડિયામાં પોતાની લાગણીઓને શબ્દોમાં ટાંકી હતી અને તેને સલાહ આપી હતી કે ખૂબ રમજે ખરો, પણ પોતાનું ધ્યાન રાખજે.’
શિખરે 2012માં આયેશા મુખરજી સાથે લગ્ન કર્યાં હતા. શિખર સાથેના મૅરેજ પહેલાં આયેશાને પ્રથમ પતિથી બે પુત્રી થઈ હતી. 2021માં આયેશાએ મીડિયાની એક પોસ્ટમાં જાહેર કર્યું કે તે શિખર સાથે ડિવૉર્સ લેવા માગે છે.
આયેશા પોતાના કમિટમેન્ટ્સને કારણે ઑસ્ટ્રેલિયામાં જ રહી છે. એને કારણે શિખર પુત્ર જોરાવરથી અલગ થઈ ગયો છે, તેને મળી નથી શક્તો. અદાલતે શિખરની પિતા તરીકેની લાગણીઓને ધ્યાનમાં લીધી હતી અને જોરાવરને મળવા તેમ જ તેની સાથે વિડિયો કૉલ મારફત સંપર્ક કરવાની છૂટ આપી હતી. જોકે થોડા સમય બાદ અદાલતમાં શિખર અને આયેશાના ડિવૉર્સને કાનૂની મંજૂરી મળી હતી અને બંનેનાં લગ્નજીવનનો અંત આવી ગયો હતો. ડિવૉર્સ વખતે શિખર આરોપ લગાવ્યો હતો કે તેણે માનસિક રીતે ખૂબ પીડા ભોગવી છે અને તેના કરોડો રૂપિયાનો ઑસ્ટ્રેલિયામાં ઇન્વેસ્ટમેન્ટના નામે ખર્ચ પણ કરાવવામાં આવ્યો છે તેમ જ તેણે આયેશાને પ્રથમ લગ્નથી થયેલી પુત્રીઓ પાછળ ઘણો ખર્ચ પણ કર્યો છે. અદાલતે છૂટાછેડા માટે મંજૂરી આપી દીધી હતી, પરંતુ પુત્રની કસ્ટડીને લઈને ભારતની કોઈ પણ કોર્ટ ફેંસલો નથી કરી શકી.
38 વર્ષનો શિખર ભારત વતી છેલ્લે ડિસેમ્બર 2022માં રમ્યો હતો. આઇપીએલમાં તે પંજાબ કિંગ્સની ટીમનું સુકાન સંભાળે છે અને આગામી સીઝનમાં આ ટીમને પ્રથમ ટાઇટલ અપાવવા મક્કમ છે.