રાતોરાત કરોડપતિ બની ગયેલો અનકૅપ્ડ પ્લેયર મુકુલ ચૌધરી કોણ છે?

નવી દિલ્હીઃ મંગળવારની આઇપીએલ-હરાજીમાં પ્રશાંત વીર અને કાર્તિક શર્માને (દરેકને) ચેન્નઈએ 14.20 કરોડ રૂપિયામાં ખરીદ્યા અને જમ્મુ-કાશ્મીરના ઑકિબ નબીને દિલ્હીએ 8.40 કરોડ રૂપિયામાં મેળવ્યો એટલે (ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમના દમદાર પર્ફોર્મન્સને પગલે) તેમનું ભાગ્ય રાતોરાત ચમકી ગયું કહેવાય એ વાત સાચી, પણ રાજસ્થાનમાં જન્મેલા વિકેટકીપર-બૅટ્સમૅન મુકુલ ચૌધરી (MUKUL CHAUDHARY)ની કિસ્મત પણ કંઈ ઓછી નથી ચમકી.
તે પણ રાતોરાત કરોડપતિ બની ગયો છે અને તે કોણ છે અને લખનઊ સુપર જાયન્ટ્સ (LSG)એ કેમ તેને 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 2.60 કરોડ રૂપિયામાં ખરીદી લીધો એની ચર્ચા થવા લાગી છે.
21 વર્ષનો મુકુલ ચૌધરી દેશના સામાન્ય ક્રિકેટપ્રેમી માટે અજાણ્યો છે, પરંતુ લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કાએ તેની ટૅલન્ટ પારખીને તેને અઢી કરોડ રૂપિયાથી પણ વધુ કિંમતે મેળવી લીધો છે.
આપણ વાચો: આઇપીએલના ઑક્શનની મહિલા સંચાલક વિશે આ જાણો છો?
રાજસ્થાનના ઝૂનઝૂનુમાં જન્મેલો મુકુલ ભારત વતી આંતરરાષ્ટ્રીય મૅચ ન રમ્યો હોવાથી અનકૅપ્ડ છે, તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં હજી માંડ બે વર્ષ થયા છે. જોકે તેને મેળવવા કેટલીક ટીમોના ફ્રૅન્ચાઇઝી વચ્ચે હરીફાઈ થઈ હતી.
મુંબઈ ઇન્ડિયન્સે પણ મુકુલને મેળવવા બોલી લગાવી હતી. જોકે 90 લાખ રૂપિયાના તબક્કે મુંબઈ રેસમાંથી આઉટ થઈ ગયા બાદ લખનઊએ એન્ટ્રી કરી હતી અને રાજસ્થાન રૉયલ્સે 2.40 કરોડ રૂપિયાની બોલી વખતે બહાર નીકળી જતાં લખનઊએ મુકુલને 2.60 કરોડ રૂપિયામાં મેળવી લીધો હતો.
મુકુલા 2023માં ઝારખંડ વિરુદ્ધ રમીને ટી-20 ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તે ઓપનિંગમાં 35 રનની ઇનિંગ્સ રમ્યો હતો. આ ફૉર્મેટમાં તેનો બેસ્ટ સ્કોર 62 અણનમ છે. તેની બૅટિંગની તુલનામાં તેની વિકેટકીપિંગની કુશળતા ઘણી સારી છે જેનાથી લખનઊનું ફ્રૅન્ચાઇઝી પ્રભાવિત થયું હતું.
આપણ વાચો: આઇપીએલના ઑક્શનમાં આજે કોણ સૌથી મોંઘા અને કોને કોઈએ પણ નથી ખરીદ્યા…
મુકુલ ચૌધરી તેના ક્રિકેટપ્રેમી-પિતા દલિપ કુમાર ચૌધરીનું સપનું સાકાર કરી રહ્યો છે. દલિપ કુમારે આર્થિક મુશ્કલીઓ વચ્ચે અમુક સંસ્થાઓમાં થોડો સમય શિક્ષણ આપ્યા પછી રિયલ એસ્ટેટ અને હોટેલના બિઝનેસમાં ઝંપલાવ્યું હતું અને બે પૈસા ભેગા થતાં પુત્ર મુકુલને ક્રિકેટ ઍકેડેમીમાં તાલીમ માટે મોકલ્યો હતો.
મુકુલ શરૂઆતમાં પેસ બોલર હતો, પરંતુ એક મૅચમાં ઍકેડેમીની ટીમમાં વિકેટકીપર નહોતો એટલે મુકુલને એ જવાબદારી સંભાળવા કહ્યું હતું અને ત્યારથી તે બોલર મટીને વિકેટકીપર બની ગયો હતો.
પિતાનું સપનું સાકાર કરવા તે વધુ તાલીમ માટે વતનમાંથી જયપુરમાં રહેવા આવ્યો ત્યારે તેના મમ્મી અને બહેન પણ તેની સાથે જયપુરમાં રહેવા આવ્યા હતા. મુકુલે એ તબક્કે નહીં વિચાર્યું હોય કે 2025ના ઑક્શનમાં તેને ખરીદવા ટીમો વચ્ચે હરીફાઈ થશે અને તે પણ કરોડપતિ બની જશે.
ભારતના અનકૅપ્ડ ખેલાડીઓને કોણે કેટલા કરોડ રૂપિયામાં ખરીદ્યા
(1) પ્રશાંત વીર (ચેન્નઈ): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયા
(2) કાર્તિક શર્મા (ચેન્નઈ): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 14.20 કરોડ રૂપિયા
(3) ઑકિબ નબી (દિલ્હી): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 8.40 કરોડ રૂપિયા
(4) મંગેશ યાદવ (બેંગલૂરુ): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 5.20 કરોડ રૂપિયા
(5) તેજસ્વી દહિયા (કોલકાતા): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 3.00 કરોડ રૂપિયા
(6) મુકુલ ચૌધરી (લખનઊ): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 2.60 કરોડ રૂપિયા
(7) અક્ષત રઘુવંશી (લખનઊ): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 2.20 કરોડ રૂપિયા
(8) સલિલ અરોરા (હૈદરાબાદ): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.50 કરોડ રૂપિયા
(9) નમન તિવારી (લખનઊ): 30 લાખ રૂપિયાની મૂળ કિંમત સામે 1.00 કરોડ રૂપિયા
(નોંધ: અનકૅપ્ડ એટલે એવા ખેલાડીઓ જેઓ હજી એકેય આંતરરાષ્ટ્રીય મૅચ નથી રમ્યા)



