સ્પોર્ટસ

સાઉથ આફ્રિકાએ ટ્રિસ્ટેન સ્ટબ્સને પડતો મૂકીને જેને પસંદ કર્યો એ જેસન સ્મિથ કોણ છે?

ડરબનઃ સાઉથ આફ્રિકાએ ગયા વર્ષે પહેલી વાર ક્રિકેટમાં પહેલી વખત વિશ્વ વિજેતા બનીને (ટેસ્ટનો વર્લ્ડ કપ જીતીને) ચૉકર્સ તરીકેની વર્ષો જૂની છાપ દૂર કરી હતી, પરંતુ વર્લ્ડ કપ માટે ટીમ સિલેક્ટ કરવામાં એકાદ આશ્ચર્ય ફેલાવવા માટે એના સિલેક્ટરો જાણીતા છે જ. ફેબ્રુઆરીમાં ભારત અને શ્રીલંકામાં રમાનારા ટી-20ના મેન્સ વર્લ્ડ કપ માટેની ટીમમાં જાણીતા બૅટ્સમૅન ટ્રિસ્ટેન સ્ટબ્સ (Tristan Stubbs)ને પસંદગીકારોએ સ્થાન નથી આપ્યું અને તેના સ્થાને જેસન સ્મિથને સ્ક્વૉડમાં સમાવ્યો છે.

આ મહિનાના અંત સુધીમાં અન્ય દેશોની જેમ સાઉથ આફ્રિકા પણ ટીમમાં ફેરફાર કરી શકશે અને બની શકે કે સ્ટબ્સને 15 ખેલાડીની ટીમમાં સમાવી લેશે, પણ એ વાત બાજુ પર રાખીએ તો હમણાં આપણે જેસન સ્મિથ વિશે થોડું રસપ્રદ જાણી લઈએ.

આ પણ વાંચો : વન-ડેના 54 વર્ષના ઇતિહાસમાં સાઉથ આફ્રિકાનો બ્રિત્ઝકી એવો પહેલો ખેલાડી છે જેણે ડેબ્યૂ મૅચમાં…

ઉલ્લેખનીય છે કે પચીસ વર્ષના ટ્રિસ્ટેન સ્ટબ્સે સાડાત્રણ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 71 મૅચમાં ત્રણ સેન્ચુરી અને આઠ હાફ સેન્ચુરીની મદદથી કુલ 1,900થી પણ વધુ રન કર્યા છે જેમાં બાવન છગ્ગા અને 151 ચોગ્ગાનો સમાવેશ છે. તેણે સાઉથ આફ્રિકાને ઘણી મૅચો જિતાડી છે, પરંતુ નવેમ્બરમાં ભારત સામેની ટેસ્ટ સિરીઝ પછી તેણે ફૉર્મ ગુમાવી દીધું છે. 2025માં તે સાત ટી-20માંથી એકેયમાં 40થી વધુ રન નહોતો કરી શક્યો. આઇપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સ વતી રમ્યો છે.

જોકે ભારતમાં અને આઇપીએલમાં રમવાના અનુભવ છતાં સ્ટબ્સને ડ્રૉપ કરવામાં આવ્યો છે. જેસન સ્મિથ (Jason Smith) માત્ર પાંચ આંતરરાષ્ટ્રીય મૅચ રમ્યો છે અને તેને વર્લ્ડ કપની ટીમમાં આવવા મળ્યું છે. તે પોતાના દેશમાં બહુ જાણીતો નથી, પણ હેડ-કોચ શુક્રી કૉન્રૅડને તેને ટીમમાં લેવડાવ્યો છે. 31 વર્ષનો રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન સ્મિથ સીમ બોલિંગ પણ કરી જાણે છે. તે 3-7 ક્રમ દરમ્યાન કોઈ પણ નંબર પર સારી બૅટિંગ કરી શકે છે. તેણે 11 વર્ષમાં ટી-20 ફૉર્મેટની 97 મૅચમાં 127.92ના સ્ટ્રાઇક-રેટથી રન કર્યા છે જે સાધારણ કહેવાય. જોકે આ 97 મૅચમાં તે 64 છગ્ગા અને 117 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button