દિલ્હી-બૅન્ગલોર મૅચમાં કયા વર્લ્ડ રેકૉર્ડની બરાબરી થઈ?
બેન્ગલૂરુ: રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર (આરસીબી)ની કૅપ્ટન સ્મૃતિ મંધાનાને ગુરુવારે અહીં વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં પોતાના ધમાકેદાર પ્રથમ ફિફ્ટી ફળ્યા નહીં એમ છતાં તે રેકૉર્ડ-બુકમાં તો આવી જ ગઈ. તેણે દિલ્હી કૅપિટલ્સ સામે 49 મિનિટ સુધી ક્રીઝ પર રહીને 43 બૉલમાં ત્રણ સિક્સર અને દસ ફોરની મદદથી 74 રન બનાવ્યા હતા.
તેના આ 74 રન હવે ડબ્લ્યૂપીએલની કૅપ્ટનોના સૌથી વધુ રનમાં બીજા સ્થાને છે. યુપી વૉરિયર્ઝની કૅપ્ટન અલીઝા હીલી ઑસ્ટ્રેલિયન વિકેટકીપર-બૅટર છે અને ડબ્લ્યૂપીએલમાં સુકાની તરીકે તેના અણનમ 96 રન આ લિસ્ટમાં મોખરે છે.
યોગાનુયોગ, અલીઝાએ એ અણનમ 96 રન ગયા વર્ષની સીઝનમાં મંધાનાની આરસીબી ટીમ સામે જ બનાવ્યા હતા.
આ મૅચમાં સૌથી વધુ સિક્સર્સના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી થઈ હતી. બૅન્ગલોર અને દિલ્હી કૅપિટલ્સની ટીમે કુલ મળીને 19 છગ્ગા ફટકાર્યા હતા. એ સાથે, મહિલાઓની બિગ બૅશની સિડની સિક્સર્સ અને મેલબર્ન સ્ટાર્સ વચ્ચેની મૅચમાં 19 સિક્સર ફટકારવામાં આવી હતી અને એ વિશ્ર્વવિક્રમની બરાબરી થઈ છે.
દિલ્હીની કૅપ્ટન મેગ લેનિંગના 72 રન ત્રીજા સ્થાને, તેના જ 70 રન ચોથા સ્થાને અને મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન હરમનપ્રીત કૌરના 65 રન પાંચમા સ્થાને છે.
ગુરુવારે દિલ્હી કૅપિટલ્સે શેફાલી વર્માના 50 રન, ઍલિસ કૅપ્સીના 46 રન, જેસ જોનસનના અણનમ 36 અને મૅરિઝેન કૅપના 32 રનની મદદથી 20 ઓવરમાં પાંચ વિકેટે 194 રન બનાવ્યા હતા. આરસીબીએ મંધાનાના 74, સબ્ભીનેની મેઘનાના 36 અને વિકેટકીપર રિચા ઘોષના 19 રનની મદદથી 20 ઓવરમાં નવ વિકેટે 169 રન બનાવતાં દિલ્હીનો પચીસ રનથી વિજય થયો હતો. દિલ્હી વતી જેસ જોનસને ત્રણ તેમ જ મૅરિઝેન કૅપે બે વિકેટ અને અરુંધતિ રૉયે બે વિકેટ લીધી હતી. કૅપને પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.
મંધાના મુંબઈની છે, પણ ડબ્લ્યૂપીએલમાં બૅન્ગલોરની ટીમ વતી રમે છે. 2023ની ડબલ્યૂપીએલમાં તે સદંતર ફ્લૉપ હતી. એ સીઝનમાં તેની આરસીબી ટીમ આઠમાંથી છ મૅચ હારતાં સેક્ધડ-લાસ્ટ સ્થાને હતી. ત્યારે આઠ મૅચમાં તે માત્ર ત્રણ સિક્સર ફટકારી શકી હતી, પરંતુ ગુરુવારે એક જ મૅચમાં તેણે ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ડબ્લ્યૂપીએલમાં સ્મૃતિએ ગુરુવારે પહેલી વાર હાફ સેન્ચુરી પણ નોંધાવી. તેણે 43 બૉલમાં 74 રન પણ ખડકી દીધા હતા. એમ છતાં તેની ટીમે પહેલી બન્ને મૅચ જીતી લીધા પછી પણ મેગ લેનિંગની દિલ્હી કૅપિટલ્સ સામે શૉકિંગ પરાજય જોવો પડ્યો હતો.
પૉઇન્ટ્સ-ટેબલમાં દિલ્હી નંબર-વન, બૅન્ગલોર નંબર-ટૂ, મુંબઈ નંબર-થ્રી, યુપી નંબર-ફોર અને ગુજરાત નંબર-ફાઇવ છે.